Ahmedabad : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક મળી હતી.આ બેઠકમાં મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના રાષ્ટ્રીય પ્રમુખો, પ્રભારી અને ગુજરાતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને લઇ તમામ સંસ્થાઓને અલગ અલગ મુદ્દા સોંપવામાં આવ્યા હતા અને ચૂંટણી સુધી જે તે મુદ્દાને કંઈ લોકો વચ્ચે કેવી રીતે જવું અને લોકોને કોંગ્રેસમાં કેવી રીતે જોડવા તેમજ આકર્ષિત કરવા તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસની દરેક સંસ્થાને અલગ અલગ જવાબદારી સોંપીને કામનું અને મુદ્દાનું વિભાજન કરવામાં આવ્યું છે. શિક્ષણ, વિદ્યાર્થીઓને લાગતાં મુદ્દા NSUIને સોંપવામાં આવ્યા છે. બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા યુથ કોંગ્રેસને સોંપવામાં આવ્યા છે.
CM અશોક ગેહલોત આવશે ગુજરાત
મિશન 2022ને લઈ કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત આવશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી આપો આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તો સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલઈ બેઠક હવે 4 ઓગષ્ટના રોજ થશે.
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.