ગાંધીનગર: સમગ્ર ગુજરાત રાજયના વક્ફ મામલાઓની સુનાવણી માટે રચાયેલી ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલના ખૂબ જ મહત્ત્વના હોદ્દા પર કાયદાકીય અને મુસ્લિમ ધર્મનો બહોળું જ્ઞાન ધરાવતા જાણીતા સુફી સ્કોલર અને ગુજરાત હાઇકોર્ટના અગ્રણી વકીલ અને વકફ કાયદાના નિષ્ણાંત એવા સુફી અનવરહુસેન શેખની નિમણૂંક ગુજરાત સરકારે ત્રીજા ક્વૉસી જ્યુડિશિયલ મેમ્બર તરીકે કરી છે.




ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પીઆઇએલમાં રાજ્ય સરકારને 26 ફેબ્રુઆરી પહેલા વક્ફ ટ્રિબ્યુનલના સભ્યની નિમણૂંક કરવા નામદાર કોર્ટના આદેશ બાદ આજરોજ સરકાર દ્રારા જાહેરનામું બહાર પાડી નિમણૂંક કરી દેવાઈ છે.


ઉલ્લેખનીય છે કે 1995મા રચાયેલ વક્ફ કાયદાના ગુજરાત રાજ્યના નીતિ નિયમોની રચના સને 1998માં થયી હતી. ત્યાર બાદ સને 2014માં કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં ઘરમૂળમાંથી ફેરફારો કરતા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં આવી હતી. પરંતુ તેના નિયમોમાં કોઈ ફેરફાર ન થતા વક્ફ બોર્ડ તેમજ ટ્રિબ્યુનલની કાયદાકીય કામગીરી અને સંચાલન પર ખૂબ જ અસર થતી હતી. જેથી નવા નીતિ નિયમો બનાવવા જોઈએ તેની રજૂઆત જે તે સમયે  અનવરહુસેન શેખ દ્વારા રાજ્ય સરકારના કાયદા વિભાગને કરાતા તેની ગંભીર નોંધ લઈને તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્ય વક્ફ રુલ-2023ની રચના કરવામાં આવી હતી અને ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવા માં આવેલ. સદરહુ નિયમો બનાવ્યા બાદ તાજેતરમાં જ તેમના દ્વારા વક્ફ એક્ટ-2023 નામનુ અદ્યતન પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યુ છે. છેલ્લા દોઢ વર્ષથી નિષ્ક્રિય રહેલી વકફ ટ્રિબ્યુનલમાં ગુજરાત સરકારે વકફ કાયદાના અભ્યાસુ અને જાણકાર વ્યકિતની નિમણૂંક કરતા વક્ફ ટ્રિબ્યુનલની કામગીરી સૂપેરે ચાલી શકશે.


ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ એ. પટેલની નિમણૂક


 ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડો. હર્ષદ એ. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. હર્ષદ એ.પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હીની અધિસૂચના; વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ ૨૦૧૯થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે  ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. ડૉ. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.


ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે


ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડૉ. હર્ષદ એ. પટેલ ગૂજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્યરત ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય જાણીતા શિક્ષણવિદ્ ડૉ. હર્ષદ એ. પટેલે એસ.યુ.જી. કોલેજ ઑફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં પીએચડી કક્ષાના માર્ગદર્શક, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઑફ કૉરસપોન્ડન્સના માર્ગદર્શક તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.