પાલનપુર: આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલ્લાને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત હનુમાન ઘંટડી અર્પણ કરવામાં આવશે. ભગવાન શ્રી રામલ્લાના મંદિર ખાતે અર્પણ થનાર હનુમાન ઘંટીનું શકિતપીઠ અંબાજી ખાતે ૨૯ ઓક્ટોબરને મંગળવારના રોજ મંદિર વહીવટદાર કૌશિક મોદી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા વિધિવિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
મા અંબાના આશીર્વાદ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા આ હનુમાન ઘંટી અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામલ્લાના મંદિરે ભેટ ધરવામાં આવશે. આ ઉપરાંત જય ભોલે ગ્રુપ દ્વારા આગામી ૮ નવેમ્બરના રોજ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ખાતે નંદી ઘંટડી અર્પણ કરવામાં આવશે.
મંદિરના પ્રવેશ દ્વાર કે ગર્ભગૃહમાં શોભતા ઘંટ વગાડવાનો અનેરો મહિમા છે. તો આરતીમાં શંખનાદ , નગારા અને ઘંટારવ મનને અનેરી શાંતિ પ્રદાન કરી શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અનુભવ કરાવે છે. આરતી સમયે જે હાથમાં વગાડવામાં આવે છે તે ઘંટીનું પુરાણોમાં એક શ્લોકમાં વર્ણન જોવા મળે છે, જે આ મુજબ છે.
"आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् ।
घण्टारवं करोम्यादौ देवताह्वान लाञ्छनम् ॥"
જેનો અનુવાદ કંઇક આ પ્રકારે છે.
("દેવોને આમંત્રિત કરવા અને દાનવોને ભગાડવા માટે, હું શરૂઆતમાં ઘંટ વગાડું છું. તે શુભતાનું પ્રતીક છે.")
આ શ્લોકનું વર્ણન ઘંટી પર કરવામાં આવ્યું છે. તેમજ ઘંટી બનાવવા માટે વેદોમાં જે મટીરીયલ નું વર્ણન છે, તે પ્રમાણેના મટીરીયલમાંથી આ ઘંટી બનાવવામાં આવી છે. જે આગામી ૫ નવેમ્બરના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરને માં અંબા તરફથી જય ભોલે ગ્રુપ દ્વારા અર્પણ થવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી હતી . અયોધ્યાની દિવાળી છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને ફરી એકવાર આ દિવાળી ચર્ચામાં આવી છે. બુધવારે (30 ઓક્ટોબર) અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશે બે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.
આ રેકોર્ડ સૌથી વધુ સંખ્યામાં લોકો દ્ધારા એક સાથે દીવા પ્રગટાવવા અને સૌથી મોટા તેલના દીવાઓનું પ્રદર્શન છે. આ રેકોર્ડ ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25,12,585 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન ગિનીસ અધિકારી પાસેથી સર્ટિફિકેટ લીધું હતું.
આ પણ વાંચો..