ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન છતાં આગામી 20 એપ્રિલ બાદ કેટલાક ઉદ્યોગ-ધંધાઓને છૂટ આપવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે ઉદ્યોગ-ધંધાઓ માટે 20 એપ્રિલ બાદ છૂટ આપવા અંગેની ગાઇડલાઇન જાહેર કરી હતી. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે, 20 એપ્રિલ બાદ વાણિજ્યિક ઉદ્યોગો શરૂ થાય તે માટે મંજૂરી લેવાની રહેશે.

તેમણે કહ્યું કે, જિલ્લા કક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવશે. આ સમિતિમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ કે, જે ઉદ્યોગ એકમો શરૂ કરવા માંગે છે તે એકમોએ થર્મલ ગન, ફરજિયાત માસ્કનો ઉપયોગ. સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસિંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. એટલું જ નહિ જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સુનિશ્ચિત કરવાની રહેશે.

જે વેપારી ધંધો શરૂ કરવા માંગે છે તેમણે પોતાના કર્મચારીઓનું થર્મલ ચેકીંગ કરવાનું રહેશે. તે સિવાય ફેક્ટરીનું સેનિટાઇઝેશન પણ કરવાની જવાબદારી વેપારીની રહેશે. ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રો શહેરી વિસ્તારના બહાર જે કામો ચાલુ છે તેને ફરીથી ચાલુ કરી શકાશે. શહેરી વિસ્તારમાં પણ બાંધકામ માટે મંજૂરી મેળવવાની રહેશે. શ્રમિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કર્યા બાદ કોઇ પણ વ્યક્તિએ મંજૂરી મેળવવાની રહેશે.