અમદાવાદઃ ખાનગી સ્કૂલોમાં ફી માફી કે રાહત માંગતી વાલીઓની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત સહિત આઠ રાજ્યોના વાલીઓએ કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલી હોય રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ ફગાવી દીધી છે. જોકે, કોર્ટે વાલીઓને હાઈકોર્ટ સમક્ષ પિટિશન કરવાનું સૂચન કર્યું છે. આ અરજીઓ રાજસ્થાન, ઓડિશા, પંજાબ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.


હવે ગુજરાતના વાલીઓ આગામી અઠવાડિયે હાઇકોર્ટમાં અરજી કરે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઓનલાઇન શિક્ષણની એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપેશન સિસ્ટમ) નક્કી ન થયા બાદ ફી નક્કી કરાય તેવી માગણી કરતી અરજી હાઈકોર્ટમાં કરે તેવી શક્યતા છે. ગઈ કાલે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠે વાલીઓને કહ્યું હતું કે દરેક રાજ્યના વાલીઓની પરિસ્થિતિ ત્યાંના સંજોગો અને માંગણી ભિન્ન છે. જેથી તેમણે સંબંધિત હાઇકોર્ટોમાં રજૂઆત કરવી જોઇએ.

વાલીઓ વતી હાજર રહેલા વકીલોએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે શાળાઓને ફીમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તો તેના જવાબમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે તો તમારા હાઇકોર્ટના આ આદેશની વિરૂદ્ધ અરજી કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે હાલના તબક્કે આ બાબતમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી. અરજકર્તાઓએ અરજી પરત લઇ હાઇકોર્ટનો સંપર્ક સાધવો જોઇએ.