Biporjoy Cyclone: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 1 હજાર 10 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું સાઉથવેસ્ટ મુંબઈથી 950 કિમી દૂર છે. બિપરજોય છ કલાકમાં 7 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સાંજ સુધીમાં અતિ તિવ્ર કેટેગરીમાં પરિવર્તિત થઈ શકે છે. જેને લઈને તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતના દરિયામાં ઊંચા મોજા ઉછળવાના શરૂ થયા છે.


 



હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયોમાં ખેડવા સૂચના અપાઈ છે . તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે


તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને સંગ પ્રદેશ દમણમાં સંભવિત બીપોરજોય વાવાજોડાને લઈને તંત્ર પણ કોઈ પણ ઢીલાશ રાખવા માંગતું નથી. વલસાડના દરિયા કિનારે પોલીસ મૂકી દેવામાં આવી છે અને હાલ ભરતીનો સમય હોય કોઈ પાણીની નજીક ન જાય, સેલ્ફીના ચક્કરમાં પથ્થરો પર ન જાય એનું ધ્યાન રખાય રહ્યું છે. આ સાથે જિલ્લાસ્તરની મોટિંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને મામલાતદારો દરિયા નજીકના ગામોના સરપંચો સાથે પણ સંપર્કમાં છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનો આપવામાં આવ્યા છે. આ સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ કોસ્ટગાર્ડ દ્વારા આજરોજ મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હેલિકોપ્ટરથી એર લિફ્ટની પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી અને જો કોઈ દરિયામાં ફસાઈ જાય તો કોસ્ટ ગાર્ડનો સંપર્ક કઇ રીતે કરી શકાય અને કઈ રીતે કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ કરશે એની પણ જાણકારી અપાઈ હતી.


અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાઈ બંદર ઉપર  બે નબરનું સિગ્નલ લગાવામાં આવ્યું  છે. તંત્ર દ્વારા દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયા કાંઠાના ગામડાઓને તંત્રએ એલર્ટ કરી દીધા છે અને તમામ બોટને દરિયા કાંઠે લંગારવામાં આવી છે. જાફરાબાદના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. શિયાળબેટ વારા, સ્વરૂપ, ભાકોદર, વડેરા, રોહિશા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જાફરાબાદ મામલતદાર કચેરીએ પણ  બેઠક યોજાઈ હતી. 


જાફરાબાદ બંદર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે જાફરાબાદના દરિયામાં ત્રણ ચાર દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદની 700 જેટલી બોટો આવેલી છે પરંતુ રાહતના સમાચાર એ છે કે તમામ જાફરાબાદની બોટો દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે. આ અગાઉ તોકતે વાવાઝોડાએ જાફરાબાદના માછીમારોના ધંધા સાથે સંકળાયેલા લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ફરીથી વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે માછીમારો દ્વારા તમામ બોટોને સુરક્ષિત જગ્યાએ ફેરવવામાં આવી રહી છે.


સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે ખાસ કરીને દરિયામાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે દરિયામાં આગળ વધતું હોવાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરંટ જોવા મળતા ગઈકાલે સિગ્નલ એક લગાવવામાં આવ્યું હતું ત્યારે મોડી રાતે કરંટ વધુ જોવા મળતા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા કલેકટરની સૂચનાથી જાફરાબાદ તંત્ર એલર્ટ થયું છે.  


બિપોરજોય વાવાઝોડાને લઈ સુરતમાં પણ પ્રશાસન અલર્ટ પર છે. સુવાલી દરિયા કિનારો આવતીકાલે બંધ કરવામાં આવશે. સુવાલી દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. સુવાલીના દરિયામાં ચાર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. લોકોને દરિયાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.