મહેન્દ્ર બગડા: એક જૂની એડવર્ટાઈઝમેન્ટ ટીવીમાં આવતી હતી કે એમપી અજબ હૈ...એમાં થોડો વધારે ઉમેરો કરવો પડે તેવી સ્થીતી હાલ ભાજપની છે, ભાજપ માત્ર અજબ નથી, તે ગજબ પણ છે.
આ વખતે હાઈકમાન્ડે ગુજરાત ભાજપમાં ઉમેદવારોની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે અને સાથે સાથે સાવ સરળતાથી જે છવ્વીસે છવ્વીસ બેઠક જીતી જવાની હતી તેમાં ઉમદવારોની આડેધડ પસંદગી કરી ભાજપે જ જાતે એક પ્રકારની સ્પર્ધા ઉભી કરી દીધી.
સૌથી વધુ આશ્ચર્ય અને અજબ બાબત એ છે કે ભાજપના તમામ કાર્યકરો અને ઈવન ઉમેદવાર સુધ્ધાંએ મિડીયા સામે કંઈજ બોલવાનુ નહી. કેટલાક કીસ્સામાં હાઈકમાન્ડ અને સી.આર.પાટીલ સાચા છે કે કેટલાક ઉમેદવાર ન બોલે તો જ ઉમેદવાર અને ભાજપની આબરુ રહી જાય તેમ છે પરંતુ બાકીના જે બોલી શકે તેવા કાર્યકરો અને ઉમેદવારોને પણ મૌન રહેવાની ફરજ પાડી દેવામા આવી છે.
લોકશાહીમાં ચૂંટણીને પર્વ કહેવામાં આવ્યુ છે. જેમ દિવાળી અને નવરાત્રી ઉત્સવ છે તેમ લોકશાહીમાં ચૂંટણી એ ઉત્સવ છે. મોદી સાહેબને આ શબ્દની ખબર છે પરંતુ નીચેના નેતાઓને કદાચ આની ખબર નથી.
જેમ ઉત્સવમા દિવાળી હોય તો અગાઉ રંગારંગ, ડેકોરેશન અને બજારની હલચલથી માહોલ બને તેમ ચૂંટણીમાં ટીવી ડીબેટ, લાઉડસ્પીકરોથી થતા પ્રચાર અને ચૂંટણી સભાથી માહોલ બને. ભાજપે કાર્યકરોને કોઈ પણ ડિબેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દેતા ચૂંટણીઓ કાર્યકરો અને લોકોમાં નીરસ થઈ ગઈ.
જે નેતાઓ બોલે છે તે કાં તો અતી વિદ્વાન છે એટલે ભાંગરો વટાય જાય છે, અથવા તો તદ્દન અર્ધશિક્ષીત છે, દાખલા તરીકે પરશોત્તમ રુપાલા દેશના અને ગુજરાતના કદાચ સૌથી વધુ વાંચન ધરાવતા અતિ વિદ્વાન વક્તા છે. તેમનાથી પણ બોલાઈ ગયુ અને એક આખો ક્ષત્રીય સમુહ રસ્તા પર ઉતરી આવ્યો.
સામે છેડે વિસાવદરના ભુપત ભાયાણી જેવા તદ્દન અર્ધશિક્ષીત વક્તા છે જેમને રાહુલ ગાંધી વિશે વિવાદિત ટિપ્પણી કરી. આવા લોકો લોકશાહી માટે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જી રહ્યાં છે. ચૂંટણી ટાણે જ તેમનો આત્મા જાગી ગયો, કોંગ્રેસના કહેવા પ્રમાણે આત્મા જગાડવા માટે ખુબ મોટી રકમ શ્રી ચરણોમાં ધરવામાં આવી હતી, જે હોય તે તેનો અંગત પ્રશ્ન છે પરંતુ રાહુલ ગાંધી માટે જે શબ્દો વાપર્યા તે ખુબ જ નિંદનિય છે.
અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામાન્ય ખેડુત પરિવારમાંથી આવે છે, અદના કાર્યકર છે તેવુ ભાજપના જે નેતાઓએ ભરત સુતરિયાનુ લોબીંગ કર્યુ હતું તે કહે છે. જે માણસ અમરેલીનુ પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યાં છે પરંતુ તેમના માટે ભાજપ હાઈકમાન્ડે કંઈજ મિડિયા સામે બોલવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે જે ભરત સુતરિયા અહિયા લોકલ મિડિયા સામે બોલી શકતા નથી તેમને આપણે દિલ્હી મોકલી રહ્યાં છીએ. તો શું તેઓ સંસદમાં બોલી શકશે તેવો પ્રશ્ન જેની ઠુંમરે ઉઠાવ્યો હતો.
ખેર, ભાજપના નેતાઓની વાત ખુટે તેમ નથી. વિજાપુરના કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા, ચૂંટણી ટાણે જેમને આત્મા જાગી ગયો તે સી.જે. ચાવડા તે જીતશે કે નહી અને ચારસો સીટ આવશે કે નહી તે પુછવા એક ભુવાજી પાસે પહોંચી ગયા. ભલુ થાય ભુવાજીનું ને વળી દાણા સાચા પડ્યા અને બીજેપી ચારસો પાર જશે તેવા આશિર્વાદ મળી ગયા નહી તો શું નુ શું થઈ જાત.
હા, સુરતમાં ભાજપ દ્વારા બીનહરિફ જીત્યા બાદ સામાન્ય માણસને થોડું ગમ્યું નથી. ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ વાત કદાચ નહી ગમે, પરંતુ જે લોકો લોકશાહીમાં માને છે, તેમને લાગે છે કે સુરતીઓના મતાધિકારને છીનવી લેવાનો કોઈને અધિકાર નથી. જે પ્રથમ યુવા મતદાર છે તેમણે હવે મતદાન માટે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડશે, અને હા, નીલેશ કુંભાણી અને તેમના ટેકેદારો પર ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા ગંભીર કાનુની કેસ દાખલ કરવો જોઈએ, લોકશાહીમાં મતદાન એ સૌનો અધિકાર છે અને લગભગ વીસ લાખથી વધુ મતદારોનો મતાધિકાર છીનવી લેવા માટે નિલેશ કુંભાણી અને તેમના બનેવી, ભાણિયા વિરુધ્ધ સુપ્રિમ કોર્ટમાં કડક સજા થાય તેવી ફરિયાદ દાખલ થવી જોઈએ...
Disclaimer: અહીં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના પોતાના છે એબીપી નેટવર્ક પ્રા.લિ.અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખની સામગ્રી અને/અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોને સમર્થન કરતું નથી.