ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ શહેરનું નવું વોર્ડ સીમાંકન ગુરૂવારે રાત્રે જાહેર કરાયું હતું. નવા સીમાંકન પ્રમાણે 48 વોર્ડ અને 192 બેઠકો યથાવત રખાઈ છે પણ અમદાવાદ શહેરની હદમાં ભળેલા નવા વિસ્તારોને અલગ અલગ વોર્ડમાં લવાયા છે.


બોપલ-ઘુમા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, ચિલોડા-નરોડા (સીટી), કઠવાડા પંચાયતનો સમગ્ર વિસ્તાર, અમદાવાદની હાલની હદ અને એસપી રિંગ રોડની વચ્ચેની ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ ગ્રામપંચાયતોના 145 સરવે નંબરોની વોર્ડમાં વહેંચણી કરાઇ છે. આ પૈકી બોપલ-ઘુમા નગરપાલિકાના વિસ્તારને ત્રણ વોર્ડમાં વહેંચવામાં આવ્યો છે. બોપલ ગામ અને આસપાસના વિસ્તારને બોડકદેવ અને જોધપુર વોર્ડમાં વહેંચાયો છે. આ પૈકી 45 ટકા વિસ્તાર બોડકદેવ વોર્ડમાં સમાવાયો છે જ્યારે 55 ટકા વિસ્તારને જોધપુર વોર્ડની હદમાં ગયો છે. ઘુમા ગામ અને આસપાસના વિસ્તારને સરખેજ વોર્ડમાં ઉમેરવામાં આવ્યો છે.

ચિલોડા-નરોડા (સીટી)નો મોટાભાગના વિસ્તાર સરદારનગર વોર્ડમાં ઉમેરાયો છે જ્યારે કઠવાડા ગ્રામ પંચાયતના વિસ્તારને નિકોલ વોર્ડમાં ઉમેરો કરાયો હતો. ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ ગ્રામપંચાયતોના 145 સરવે નંબરો તેમને અડીને આવેલા વોર્ડમાં ઉમેરી દેવાયા છે.