અમદાવાદઃ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું, ત્યારે સાંજે અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયું હતું. શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 જેટલા પોલીસ કર્મીઓ સહિત કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને ટોળાએ માર માર્યો હતો. પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા.

અમદાવાદ ઉપરાંત પાલનપુર, છાણી, બોરસદ સહિત કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. પાલનપુરના છાપી પાસે હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. ચક્કાજામ થતા વાહનચાલકો ફસાયા હતા. ત્યારે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મામલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદની સ્થિતિ બાબતે દિલ્લીની કેન્દ્ર સરકારની નજર રાખી રહી છે. અમદાવાદમાં બનેલા બનાવોની કેન્દ્રિય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ માહિતી પણ મેળવી હતી.



અમદાવાદના શાહઆલમમાં થયેલા ઘર્ષણનો મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી છે. પાંચ હજારના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.આઇપીસી 307,337,333,143,145,147,151,152,153,188,120 બી, 34 તથા પબ્લિક પ્રોપર્ટી કલમ 3 અને 7 તથા જીપી એકટ 135(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ઇસનપુર પીઆઇ જે એમ સોલંકી પોતે ફરિયાદી બન્યા છે. ટોળા સામે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમો હેઠળ ફરીયાદ નોંધાઇ છે.



આ ઘટનામાં 21 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. 49 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસનો કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણનો પણ સમાવેશ થયા છે. અન્ય આરોપીઓની વીડિયો ફૂટેજના આધારે તપાસ કરાશે. જોકે, આ વિસ્તારોમાં શુક્રવારે સવારથી સ્થિતિ સામાન્ય બની છે. હથિયારધારી પોલીસની ટુકડીઓ હાલ પણ શાહઆલમ ખાતે રાખવામાં આવી છે. અલગ અલગ ત્રણ સ્થળો પર હથિયારધારી પોલીસ ફોર્સ કાર્યરત છે. જે ટુકડીઓ અલગ અલગ વિસ્તારમાં છે, તેમને PCR વાનમાં પટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે. જોકે, પગપાળા પેટ્રોલિંગ ન કરવા પોલીસ કર્મચારીઓને આદેશ અપાયો છે.