અમદાવાદ: આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જોકે આરોપીઓને 11 જુલાઈએ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં કોર્ટે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર સંજય ચૌહાણ અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના 35 વર્ષિય આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010માં હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઈન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઈકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં.



જોકે આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે અમુક સાક્ષીઓની ફેર તપાસ માટે છૂટ આપતાં કેટલા સમય માટે દિનુ બોઘા સોલંકી સામે કડક શરતો ફરમાવી હતી. આ કેસમાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી.