હવામાન વિભાગ અનુસાર બુધવારે નવસારી-સુરત-ભરૂચ-વડોદરા-ભાવનગર-અમરેલી-પોરબંદર-દેવભૂમિ દ્વારકામાં, શનિવારે વલસાડ-નવસારી-ડાંગ-તાપી-સુરત-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે.
ઉપરાંત રાજ્યમાં આગામી પાંચ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં બુધવારે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. આ પછી આગામી એક સપ્તાહ વરસસાદની સંભાવના નહિવત્ છે.
મંગળવારે સવારે ૬થી સાંજે ૬ દરમિયાન ગુજરાતના ૧૧ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના માળિયામાં બપોરે ૧૨થી ૨ દરમિયાન ૨.૬૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ડાંગ જિલ્લાના વઘઇમાં બપોરે ૪થી સાંજે ૬માં ૧.૯૨, વલસાડ જિલ્લાના ધરમપુરમાં બપોરે ૧૨થી ૨માં ૧.૬૫ ઈંચ, રાજકોટ જિલ્લાના જામકંડોરણામા ૧.૫૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે હાલમાં વરસાદના પ્રમાણમાં વધારો થયો છે.