અમદાવાદઃ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરનારા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ એ મુસલિમીન (AIMIM)એ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. ઓવૈસીએ ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIMના પ્રદેશ પ્રમુખ નિમ્યા છે. ઔવેસીએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી અને કાબલીવાલાને અભિનંદન આપ્યા હતા. ઓવૈસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, AIMIM ગુજરાતની પ્રજા માટે એક વિશ્વાસપાત્ર રાજકીય વિકલ્પ બનશે.



કાબલીવાલા 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં  2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જો કે કાબલીવાલાએ 30 હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કાબલીવાલા સતત તેમને મળતા રહેતા હોવાથી કાબલીવાલા ભાજપમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી હતી પણ છેવટે કાબલીવાલા ભાજપમાં નહોતા જોડાયા. કાબલીવાલા મોદીની નિકટ હોવાની ચર્ચા પણ ચાલી હતી.



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે તેની જાહેરાત થવાની શક્યતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.