કોંગ્રેસના યુવા આગેવાન હબીબ મેવના નિધનથી પક્ષમાં શોક લાગણી ફરી વળી છે. હબીબ મેવની કેટલાક દિવસથી સારવાર ચાલી રહી હતી. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન દુઃખદ નિધન થયુ છે. થોડા સમય પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખનું કોરોનાના કારણે મૃત્યુ નીપજયુ હતુ. ત્યારબાદ હવે કોંગ્રેસના વધુ એક નેતા હબીબ મેવનું કોરોનાના કારણે મોત નીપજયુ છે.
કોરોનાના કહેરમાં કોંગ્રેસના નેતાઓ એક પછી એક ઝપેટમાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પણ સમાવેશ થાય છે. જો કે, કોરોનાની સારવાર મેળવી તેને હરાવવામાં સફળ રહ્યા હતા. મેવની છેલ્લા આઠ-નવ દિવસથી સારવાર ચાલી રહી હતી પરંતુ તેમની તબિયત વધુ બગડી હતી અને તેમનું કોરોનાના કારણે કરૂણ મોત નીપજયુ હતુ. જેને પગલે તેમના પરિવારજનો પર જાણે આભ તૂટી પડયુ હતું.
કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષનાં નેતા પરેશ ધાનાણી સહીત સમગ્ર કોંગ્રેસ પરિવારે હબીબ મેવનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકાંજલિ પાઠવી છે. તેમના પરિવારને પણ દુઃખ સહન કરવાની સાંત્વના પાઠવી છે.