મળતી વિગતો પ્રમાણે, ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો પાંચ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પાંચ પરિવારની 20થી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ કેટલાક પરિવારો એવા છે, જ્યાં તમામ સભ્યોને ચેપ લાગ્યો હોય. આમ, આખે આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી જતાં હોવાની ઘટના બનતાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવા જ સમાચાર સોલા ભાગવત અને થલતેજની કેટલીક સોસાયટીઓમાંથી પણ સામે આવ્યા છે.
શહેરમાં અનેક એવા પરિવારો પણ છે, જેમણે એક પરિવારમાંથી 3 સભ્યો કોરોના સંક્રમણમાં ગુમાવ્યા હોય. જૂનમાં જ્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા.