અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. જોકે, છેલ્લા બે દિવસથી રાજ્ય માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત એવી છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં નવા આવી રહેલા કેસો કરતાં વધુ દર્દીઓ સ્વસ્થ થયા હતા. એટલું જ નહીં, રાજ્યમાં સાજા થવાનનો દર સતત વધી રહ્યો છે અને આ દર 82 ટકાને પાર થઈ ગયો છે.


ગઈ કાલે 9મી સપ્ટેમ્બરે કોરોનાના નવા 1329 કેસ નોંધાયા હતા. જેની સામે 1336 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે 8મી સપ્ટેમ્બરે પણ નવા આવેલા કેસો કરતા વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટી છે. રાજ્યમાં હાલ, કોરોનાના કુલ એક્ટિવ કેસો 13328 છે. જ્યારે કુલ કેસો 108295 થઈ ગયા છે.

ગુજરાતમાં ગઈ કાલે 16 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહિસાગર 1, સુરત કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત થયું છે