ચક્રવાતી વાવાઝોડું તૌકતે હાલ અમદાવાદના પશ્ચિમ-દક્ષિણથી લગભગ 50 કિમી અને સુરેન્દ્રનગરથી પૂર્વ-ઉત્તરમાં 60 કિલોમીટર દૂર છે. આગામી 6 કલાક દરમિયાન નબળું થશે તેમ  ભારત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 



મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. 


તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ તબાહી માચવ્યા બાદ  મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ રહી છે.  રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે.  મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજપોલ તૂટી પડ્યા છે. વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.  તૌક્તે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના  હવામાન વિભાગ દ્વારા  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


 


તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. ખેડા, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોર 2 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.


 


અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવનગરમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉમરગામ, સુરતના ઓલપાડ, અમરેલીના રાજુલા અને બોટાદ સહિતના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 4 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ, 11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 27 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 62 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.