અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે એટલે કે સોમવારે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જોવા નહોતી મળી.
આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. અહીં જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેની પાછળ જ કર્મચારીઓનાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે.