અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે કોરોના વોરિયર્સના પણ રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યા છે. ત્યારે અસારવા વિસ્તારમાં સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ સહિત 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાગ્રસ્ત 84 પોઝિટિવમાંથી 46 લોકો માત્રને માત્ર કેન્સર હોસ્પિટલનાં રેડિયોથેરાપી વિભાગ હતા જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.


મહત્વની વાત એ છે કે, સારવાર લઇ રહેલા દર્દીઓ અને અન્ય સ્ટાફને પણ આ સંક્રમણ થવાની સંભાવના જોવા મળી રહી છે. કેન્સર હોસ્પિટલના સ્ટાફમાં જ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં અન્ય દર્દીઓને હાલાકી પડી રહી હતી. આ વિભાગનાં 84 લોકોમાંથી 46 એટલે કે 50 ટકાથી વધુ લોકો રેડિયો થેરાપી વિભાગનાં છે.

રેડિયો થેરાપી વિભાગના આ 46 લોકોમાં ડોક્ટર, સ્ટાફ નર્સ, ક્લાર્ક અને સર્વન્ટનો સમાવેશ થાય છે. આ તમામ ડોક્ટરો અને સ્ટાફને અલગ-અલગ ખાનગી હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.