અમદાવાદ: ‘હું IPS છું મારું આઈકાર્ડ કેવી રીતે માંગી શકો?’ આ સવાલ નકલી આઈપીએસ બનીને આવેલી એક મહિલાએ કર્યો હતો. જોકે મહિલાને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચેલી મહિલાએ પોલીસને કહ્યું હતું કે, હું 2002ની બેચની આઈપીએસ અધિકારી છું અને રાજકોટથી અમદાવાદ બદલી થઈ છે. પરંતુ પોતાની ખોટી ઓળખ આપવી મહિલાને ભારે પડી ગઈ હતી અને પોલીસે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

સામાન્ય રીતે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ પણ અજાણી વ્યક્તિને પ્રવેશ કરતાં પહેલાં એન્ટ્રી કરવાનો નિયમ છે. જેમાં પોતાનું નામ, ક્યાંથી આવો છો, કોને મળવાનું, ક્યાં કારણથી મળવાનું જેવી વિગતો ભરવાની રહેતી હોય છે. તેમ છતાં ગઈકાલે એક એવી ઘટના બની કે જેણે અમદાવાદ  પોલીસ કમિશનર ઓફિસની સુરક્ષા પર સવાલો ઉભા કર્યાં હતાં.

એક મહિલા મિનાક્ષી પટેલ કે જે સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ હતી અને પોતાની ઓળખ 2002ની બેચના આઈપીએસ તરીકે આપી હતી અને પોલીસ કર્મી પર રોફ જમાવ્યો હતો. મહિલા અમદાવાદના જોઈન્ટ કમિશનર અમિત વિશ્વકર્માની ઓફિસમાં પહોંચી પોતાની ચેમ્બર ક્યાં છે તેની પણ વાત કરી હતી પરંતુ અધિકારીને જાણ થઈ કે આ મહિલા ખોટું બોલી રહી છે. ત્યારે તેની વિરૂદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી.

મિનાક્ષી પટેલ જ્યારે કંટ્રોલ રૂમમાં પહોંચ્યા ત્યારે તે સુટ બુટમાં સજ્જ જોવા મળ્યાં હતા. કંટ્રોલ રૂમમાં પહોંચી ઈન્ચાર્ઝને જણાવ્યું હતું કે, રાજકોટથી તેમની બદલી અમદાવાદ થઈ છે અને મારે ચાર્ઝ લેવાનો છે. પરંતુ હાજર પોલીસ કર્મીએ જ્યારે તેમનું આઈકાર્ડ માંગ્યુ ત્યારે મિનાક્ષી પટેલ ગિન્નાયી હતી અને પોલીસને કહ્યું કે, હું 2002ની બેચની આઈપીએસ અધિકારી છું.

આઈપીએસ અધિકારી સાથે તમે આઈકાર્ડ માંગી જ કેવી રીતે શકો? તમને એવી કોઈ સત્તા નથી. આ અંગે જ્યારે બોલાચાલી થઈ ત્યારે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડ્યા હતા ત્યાર બાદ મહિલાને પોલીસને સોંપવામાં આવી હતી. જોકે મહિલાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.