અમદાવાદ: ગોતામાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી લઈને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને બચાવવામાં મદદ કરી હતી.

રેસ્ક્યૂ કામમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવી ઈજા થઈ હતી. તમામે જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા હતાં. અમદાવાદના આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ પોતાની હિંમત બતાવી હતી જો જીવ જોખમમાં ન મુકી લોકોને ન બચાવ્યા હોત તો મોટી જાનહાની થઈ હોત.

લોકોનો જીવ બચાવનાર એક યુવાને કહ્યું હતું કે, હું બાજુની કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રાઈવર છું. મારા શેઠને મૂકવા માટે હું અહીં આવ્યો હતો ત્યારે જોયું કે આગ લાગી છે. સાઈટની ફ્લેટ તરફની દીવાલ કુદીને હું અને વિરાટ પટેલ અહીં પહોંચ્યા હતાં. અમે ફ્લેટની પાઈપ પરથી ચોથા માળે પહોંચ્યા અને ઉપરથી એક માણસે દોરડાથી એક્સ્ટિંગ્યુશર મોકલતાં તેનાથી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ત્યાર બાદ તમામ માળ ચેક કર્યા કે કોઈ ફસાયું નથી ને.

વધુમાં જણાવ્યું હતું કે, સામેના ફ્લેટમાં બેડરૂમમાં રહેલા એક બેનને અમે બાલકનીમાંથી દોરડાથી બાંધીને નીચે ઉતાર્યાં હતાં. હું દોરડું સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ ફાયરના માણસો મદદમાં આવ્યા હતાં. નીચે ભીડ પણ જામી ગઈ હતી પરંતુ કોઈ મદદ કરવા ઉપર જવાનું જોખમ લેવા તૈયાર ન હતાં.