અમદાવાદ: અમદાવાદમાં 25 અને 26 ફેબ્રુઆરીના રોજ લારાકોનની સત્તાવાર કૉન્ફરન્સ લારાકોન ઇન્ડિયા સૌપ્રથમ વખત ભારતમાં યોજાવા જઈ રહી છે. લારાવેલ એ એક ફ્રી અને ઓપન-સૉર્સ પીએચપી વેબ ફ્રેમવર્ક છે, જેનો ઉદ્દેશ્ય વેબ એપ્લિકેશન વિકસાવવાનો છે. લારાકોન ઇન્ડિયા કૉન્ફરન્સમાં વેબ ડેવલપરો, ઉદ્યોગસાહસિકો અને અનેકવિધ હેતુઓ માટે લારાવેલનો ઉપયોગ કરી રહેલી ભારતીય અને વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જેઓ લારાવેલ અને તેની આસપાસની ઇકોસિસ્ટમ પરના અનેક વિષયો પર ચર્ચા કરશે. પહેલીવાર લારાકોનની આવૃત્તિ ભારતમાં યોજાઈ રહી છે અને ભારત આ કૉન્ફરન્સને હૉસ્ટ કરનારો વિશ્વનો ચોથો દેશ છે.
અન્ય કેટલાક લોકોની સાથે લારાવેલના સીઇઓ ટેલર ઓટવેલ આ કૉન્ફરન્સમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં 10થી વધારે દેશોના 1,200થી વધુ લોકો ભાગ લેશે. તેમાં હાજર રહેનારા લોકોને પ્રાયોગિક વર્કશૉપ અને પ્રદર્શનોમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ લારાવેલ, પીએચપી, VueJS, વેબ ડેવલપમેન્ટ અને અન્ય વિવિધ વિષયો પર તેમની વાત રજૂ કરશે. અમદાવાદ સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની વિટોર ક્લાઉડ ટેકનોલોજિસના સ્થાપક અને સીટીઓ વિશાલ રાજપૂરોહિતની સાથે સમગ્ર દેશમાંથી આવનારા સ્વયંસેવકોની ટીમ દ્વારા આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંગે વાત કરતાં વિશાલ રાજપૂરોહિતે જણાવ્યું હતું કે, ‘લારાકોન ઇન્ડિયા એ ટેકનોલોજીના ક્ષેત્રના સૌથી લોકપ્રિય કાર્યક્રમોમાંથી એક છે અને તેમાં સમગ્ર વિશ્વમાંથી લારાવેલના સૌથી ઝડપથી વિકસી રહેલા સમુદાયોનો સમાવેશ થાય છે. લારાકોન ઇવેન્ટ્સના ઇતિહાસમાં પહેલીવાર એમ બની રહ્યું છે કે, સ્થાપક પોતે કોઈ યજમાન દેશની પ્રથમ લારાકોન કૉન્ફરન્સમાં હાજરી આપવા જઈ રહ્યાં છે. આ ટેકનોલોજીનો સૌથી મોટો સમુદાય ભારતના અમદાવાદ અને ગુજરાત ક્ષેત્રનો છે. આથી જ, આ કાર્યક્રમના સ્થળ તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે.’ લારાવેલને સમગ્ર વિશ્વમાંથી પ્રાપ્ત થયેલી સ્વીકૃતિ સતત વધતી જઈ રહી છે અને આથી જ યુવા પેઢીમાં તેના અંગે વધુને વધુ જાગૃતિ પેદા કરવી જરૂરી બની જાય છે.
તેમણે આગળ સમજાવ્યું હતું કે, ‘આ ક્ષેત્રના ટેકીઝ માટે આ લેન્ગ્વેજ અંગે વાતચીત શરૂ કરવા માટેની આ એક સુવર્ણ તક છે, કારણ કે, આ ફ્રેમવર્કનો ઉપયોગ કરી રહેલી મોટાભાગની કંપનીઓને આગામી દિવસોમાં વર્કફૉર્સની જરૂર પડશે. આ કાર્યક્રમ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની એક સમૃદ્ધ ઇકોસિસ્ટમ તરીકે ગુજરાત અંગે તથા આ માર્કેટમાં પ્રવેશવાથી કેવી રીતે ફક્ત કંપનીઓને જ લાભ થાય છે, તે અંગે જાગૃતિ પેદા કરવા માટેની પણ એક તક પૂરી પાડશે. આ કાર્યક્રમમાં હાજર રહેનારા લોકોમાં વિદેશી પ્રતિનિધિઓની સાથે મુખ્યત્ત્વે સોફ્ટવેર કંપનીઓના સીઇઓ અને ટોચના મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ્સોનો સમાવેશ થશે.’
યુએસએ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, જર્મની, પોર્ટુગલ, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, માલદિવ્સ, સ્વિત્ઝર્લેન્ડ, મોરેશિયસ વગેરે જેવા દેશોમાંથી પ્રતિનિધિઓ અને નિષ્ણાતો આ કાર્યક્રમમાં હાજર રહેશે.
લારાકોન ઇન્ડિયામાં ઉપસ્થિત રહેનારા અગ્રણી વક્તાઓમાં સ્પેટી ખાતેના ડેવલપર ફ્રીક વેન ડેર હર્ટેન, લારાવેલની કૉર ટીમમાં કામ કરતાં ઓસ્ટ્રેલિયાના ફૂલ-સ્ટેક ડેવલપર શ્રી જેસ આર્ચર, બીયોન્ડ કૉડ ખાતેના સીટીઓ માર્સેલ પોસિયોટ, હેપી ડેવ.ના જેમ્સ બ્રૂક્સ, ‘ફ્રેશબિટ્સ’ નામની વેબ ડેવલપમેન્ટ એજન્સીના સ્થાપક ગૌરવ માખેચા, ફૂલ સ્ટેક ડેવલપર અને લારાવેલ કમ્યુનિટીમાં યોગદાન આપનારા કેન્સિયો, બીટબૉક્સર, એમસી, એનએફટી આર્ટિસ્ટ અભિષેક ભાસ્કર, ટર્મવિન્ડના સહ-લેખક ફ્રાંસિસ્કો માડેઇરા, લારાવેલના મુખ્ય સભ્ય અને PESTના સર્જક નુનો માડુરો સહિત અન્ય ઘણાં મહાનુભાવોનો સમાવેશ થાય છે.