સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ધ્યાને રાખીને હાઇકોર્ટે નોંધ્યુ કે, અમદાવાદમાં કોરોનાના કુલ 18 હજારથી પણ વધુ કેસ છે. એવામાં રથયાત્રા યોજવી હિતાવહ નથી. જો કે, આ પહેલા મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી અને ગૃહમંત્રાલયના અધિકારીઓએ રથયાત્રાને લઇને લાંબુ મંથન કર્યુ, પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સરકાર રથયાત્રાને અનુમતિ આપી કોરોનાના સંક્રમણને લઇને કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. આ પહેલા સુપ્રિમ કોર્ટે પુરીની રથયાત્રા પર રોક લગાવી છે.
ઉલ્લેખનીય છે કે, જે રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તે રૂટ પર 25 ટકા કંટેઇનમેન્ટ ઝોન છે. આ સંજોગોમાં રથયાત્રાને મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાગ્રસ્ત સુરતમાં પણ રથયાત્રાને અનુમતિ અપાઇ નથી. સુરતમાં 5 પૈકી એક પણ સ્થાને આ વર્ષે રથયાત્રા નહીં યોજાઇ. ભક્તોના પ્રવેશ પ્રતિબંધ સાથે મંદિર પરિસરમાં જ ભગવાનની યાત્રા કરાશે.
અમદાવાદમાં હાલ કોરોના વાયરસના કેસ 18 હજારથી વધુ છે, જેમાંથી 3500 જેટલા એક્ટિવ કેસ છે.