અમદાવાદઃ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બુધવારથી કોરોના સામે રક્ષણ આપતી સ્વદેશી રસી કોવેક્સીનની ત્રીજા ફેઝની ટ્રાયલનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારે આ રસીના ટ્રાયલ માટે આગળ આવવા માટે લોકોને અપીલ કરી હતી પણ બે દિવસમાં માત્ર પાંચ જ વોલંટીયર્સ આગળ આવ્યા છે. બુધવારે પહેલા દિવસે એક અને ગુરૂવારે ચાર મળીને માત્ર પાંચ વોલિયન્ટરને કોવેક્સીન અપાઈ છે.


કોરોનાની રસીના સંશોધનમાં લોકો મદદ કરશે અને વેક્સીન માટે લોકો ઉમટી પડશે તેવી ધારણા હતી. તેના બદલે અત્યંત નબળો પ્રતિસાદ મળતાં સત્તાવળા ચિંતામાં છે. આ રસીના કારણે થનારી આડઅસરોના ડરથી લોકો રસી મૂકાવવા માટે આગળ આવતા નથી એવું નિષ્ણાતોનું માનવું છે. આ રસી અંગે પૂછપરછ ઘણા લોકોએ કરી છે પણ માત્ર પાંચ વોલિયન્ટરે જ વેક્સીન મૂકાવી હતી.

આઈસીએમઆર, ભારત બાયોટેક અને પૂનાની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સંયુક્ત ઉપક્રમે વિકસાવાયેલી સ્વદેશી કોવેક્સીનની ફેઝ-૩ની ટ્રાયલ સોલા સિવિલમાં શરૂ થઈ ગઈ છે.