આ વખતે રથયાત્રામાં માત્ર ભગવાન જગન્નાથ-બહેન સુભદ્રા-ભાઇ બલભદ્રના જ ત્રણ રથ નીકળશે. ભજન મંડળી, અખાડા, ટ્રક, ઝાંખી નહીં હોય. રથયાત્રા દરમિયાન સરકારના નીતિ નિયમોનું પાલન કરાશે. સામાન્ય રીતે એક રથ ખેંચવા માટે ૩૦૦ જેટલા ખલાસીઓ હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે આ વખતે એક રથ ખેંચવા માટે ૨૫ ખલાસીઓ જોડાઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. પ્રત્યેક પોઇન્ટ પર ખલાસીઓનું ગૂ્રપ બદલવામાં આવશે. એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે.
પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શક્ય તેટલી ઝડપથી રથયાત્રા પૂરીથાય તેનો પ્રયાસ કરાશે. આ વખતે તમામ ભક્તો ટીવી ચેનલના માધ્યમથી જ રથયાત્રાના દર્શન કરે તેવો અમારો અનુરોધ છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી રથયાત્રામાં કેટલા લોકો ભાગ લેશે તે અંગે આખરી નિર્ણય લેવાશે.'
અષાઢી બીજની રથયાત્રા પૂર્વે યોજાનાર જળયાત્રા 5મી જૂને યોજાશે. પરંતુ તેમાં શોભાયાત્રા નહીં હોય. જેમાં પુજારી -ટ્રસ્ટીઓ જ હશે. સાબરમતી નદીમાંથી સાદગીપૂર્ણ જળવિધી કરી પુજારીઓ મંદિર પરત ફરશે. આ ઉપરાંત 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. જો કે તે દિવસે સૂર્યગ્રહણ હોવાથી બપોરે 4 વાગ્યા બાદ પુજારીઓ અને મંહતની હાજરીમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે.
ભગવાનના નેત્રોત્સવની વિધિ વખતે સૂર્યગ્રહણ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બે દિવસ અગાઉ યોજાતી નેત્રોત્સવની વિધિનું પણ અનેરું મહત્વ હોય છે. જોકે, આ વખતે ૨૧ જૂને નેત્રોત્સવની વિધિ છે ત્યારે જ સૂર્યગ્રહણ છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું છે. જેમાં વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧-૨૭ સુધી છે. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ૨૧ જૂને બપોરે ૪ બાદ યોજાશે.
હાલમાં ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરાયું છે. જોકે રથને વિશેષ શણગાર માટેની વ્યવસ્થા કરાઈ નથી. 30 જટેલાં ખલાસી ભાઈઓ જ પરંપરા મુજબ રથ ચલાવશે. અન્ય ખલાસી ભાઈઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે આગળ નિર્ણય લેવાશે. આ ઉપરાંત મહેન્દ્ર ઝાના કહેવા મુજબ રથયાત્રા અંગે લેવાયેલાં આ તમામ નિર્ણયો સરકારને મોકલવામાં આવશે. જો કોઈ ફેરફાર કરવાની વાત આવશે તો સરકારના માર્ગદર્શન મુજબ આગળ વધીશું.