અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનમાં આજથી એટલે 15મી માર્ચથી વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીનું મુસાફર દીઠ 10 રૂપિયા ભાડુ વસુલવામાં આવશે. મેટ્રો સ્ટેશન પર કામ ચાલુ થવાને કારણે આ ટ્રેન હાલમાં વચ્ચેના એકપણ સ્ટેશન પર રોકાશે નહીં. આ મહિનાનાં અંત સુધીમાં નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશન ખૂલ્લું મૂકાતા ત્યાં મેટ્રો ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે.

ગુજરાતનું નવું નજરાણું: આજથી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરવા માટે પૈસા ચૂકવવા પડશે, જાણો કેટલું છે ભાડું?


મહત્વનું છે કે, ગત 4 માર્ચે અમદાવાદ મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ગત 6 માર્ચથી 14 માર્ચ સુધીના નવ દિવસ મેટ્રો ટ્રેનમાં મુસાફરોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. જેમાં 75 હજારથી પણ વધુ મુસાફરોએ લાભ લીધો હતો. 8 માર્ચ મહિલા દિન નિમિત્તે તો માત્ર મહિલાઓ માટે આ મેટ્રો ચાલી હતી.



મેટ્રો ટ્રેનના એડમીન ડેપ્યુટી જનરલ મેનેજર અંકુર પાઠકના જણાવ્યા પ્રમાણે, નિરાંત ચોકડી અને અમરાઈવાડી મેટ્રો સ્ટેશનનું હાલમાં ફિનીંસીંગ કામ ચાલી રહ્યું છે. જે ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરીને બંને સ્ટેશનો મુસાફરો માટે ખૂલ્લા મૂકી દેવાશે.



આ ઉપરાંત રબારી કોલોની અને વસ્ત્રાલ સ્ટેશનનું કામકાજ ચાલતું હોવાને કારણે આગામી મે માસના અંત સુધીમાં પૂર્ણ કરીને મે માસના અંત સુધીમાં બંને સ્ટેશનો પણ ખૂલ્લા મૂકાશે.