Ganesh Chaturthi 2024: વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. અમદાવાદના આર્ટિસ્ટ દીપક ભટ્ટ પોતાની આગવી શૈલીના કાર્યને લઈને નામના ધરાવે છે. દિપક ભટ્ટ પોતાના કલાત્મક કાર્ય અને અસાધારણ પ્રતિભાને પગલે માઇક્રો-આર્ટિસ્ટ તરીકે નામના મેળવી છે. તેઓ ચોખા અને સોપારી ઉપર પોતાની કલાગારીને લઈને દેશ વિદેશમાં નામના ધરાવે છે. પ્રતિષ્ઠિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સહિત તેમના નામના અનેક રેકોર્ડ તેમની હસ્તકલા પ્રત્યેના સમર્પણનો પુરાવો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાના એવા સોલડી ગામમાં જન્મેલા દિપક ભટ્ટ નાનપણથી કંઈક અસાધારણ કરવામાં માનતા હતા. આ માટે તેમને શરૂઆતના દિવસોમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. તેઓએ ચોખાના દાણા પર ચિત્રો દોરવાનુ શરુ કર્યુ. આ કાર્ય માટે ધીરજ અને એકાગ્રતા કેળવવી ખૂબ જરુરી હતી.
દિપકભાઈ જણાવે છે કે આ કાર્ય માટે સૌથી મોટો પડકાર મારી આંખો અને હાથને આવી નાની જગ્યાઓમાં કામ કરવા માટે તાલીમ આપવાનો હતો. હું દરરોજ કલાકો પ્રેકટિસ કરતો. આ માટે તેઓએ યોગ,ધ્યાન અને પ્રાણાયામની પણ મદદ લીધી હતી. શરૂઆતમાં ચોખાના દાણા પર ચિત્રો દોરવામાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. ચોખાનો દાણાના અનેક ટુકડાઓ થઇ જતા હતા પરંતુ નિરાશ થયા વગર સતત કાર્ય કરવાને પગલે અંતે સફળતા પ્રાપ્ત કરી હતી. ચોખાના દાણા અને સોપારી જેવી નાની વસ્તુઓ પર ભગવાન ગણેશના જટિલ સ્વરૂપને દોરવાની તેમની ક્ષમતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેમની આ કાર્યપદ્ધતિ ટૂંક સમયમાં તેઓ અન્ય કલાકારોથી અલગ પડયા અને વિશિષ્ટ પ્રાપ્ત કર્યુ હતું.
તેમની સફળતા 2015માં આવી જ્યારે તેમણે ચોખાના દાણા પર ગણેશજીના પેઇન્ટિંગની સંપૂર્ણ શ્રેણી બનાવીને પોતાને વધુ પડકારવાનું નક્કી કર્યું. આ પ્રોજેક્ટને જબરદસ્ત સફળતા મળી હતી અને મોટા પ્લેટફોર્મ પર ભટ્ટની ઓળખની શરૂઆત થઈ હતી. તેમની કૃતિઓ જેમાં આધ્યાત્મિક આદરને કલાત્મક ચોકસાઇ સાથે જોડવામાં આવ્યો હતો. તે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં નોંધ લેવાઈ હતી. ભટ્ટની કારકિર્દીની નિર્ણાયક ક્ષણ ત્યારે આવી જ્યારે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લઈ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ.
2017માં મહિનાઓની તૈયારી અને પ્રેક્ટિસ પછી દિપકભાઈએ મેગનીફાઈંગ ગ્લાસની મદદ વગર નરી નાંખે ચોખાના એક દાણા પર ભગવાન ગણેશની વિશ્વની સૌથી નાની પેઇન્ટિંગ બનાવી હતી. જેની લંબાઈ માત્ર 5 મિલીમીટર હતી. આ નોંધપાત્ર સિદ્ધિએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી હતી. તેમણે કહ્યું હતું કે “આ સિદ્ધિ મારા માટે એક સ્વપ્ન સાકાર થયું હતું,” “તે મારી કળામાં વર્ષોની સખત મહેનત, સમર્પણ અને અતૂટ માન્યતાની પરાકાષ્ઠા હતી.
ડિઝાઇનની જટિલતાને આધારે સિંગલ પીસ બનાવવાની પ્રક્રિયામાં ઘણી વખત કલાકોથી દિવસો સુધીનો સમય લાગી જાય છે. દિપકભાઈ જણાવે છે કે જ્યારે તમે આવા નાના પાયા પર કામ કરતા હોવ ત્યારે દરેક સ્ટ્રોક મહત્વપૂર્ણ છs.આ કાર્ય મારા માટે ધ્યાન જેવું છે. હું ઊંડી એકાગ્રતાની સ્થિતિમાં પ્રવેશું છું જ્યાં હું મારી કળા સાથે એક બની જાઉં છું..દિપકભાઈની આ નિપુણતાને પગલે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનોમાં પોતાની કલા રજૂ કરી ચૂક્યા છે. તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સહિત અનેક રેકોર્ડ્સ જીત્યા છે.
આવા નાના કેનવાસ પર ગણેશની છબીઓ બનાવવી એ માત્ર એક કલાત્મક પ્રયાસ નથી પરંતુ આધ્યાત્મિક અભ્યાસ છે. “ગણેશ શાણપણ, સમૃદ્ધિ અને અવરોધોને દૂર કરવાની ક્ષમતાનું પ્રતીક છે. દિપકભાઈ તેમના કાર્ય અને કૌશલ્ય દ્રારા આગામી પેઢીના કલાકારોને માઇક્રો-આર્ટ શિખવાડવા માંગે છે.
કલાને કોઈ સીમાઓ હોતી નથી. દિપકભાઈ આગામી દિવસોમાં તેમની કળાને ભારત અને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. તેઓ નવા માધ્યમોની શોધ કરવા અને તેમના કાર્યનો વિસ્તાર વધારવા માંગે છે. અમદાવાદથી શરુ કરેલી નાની યાત્રાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી અવિરત ચાલી રહી છે જે તમામ મહત્વાકાંક્ષી કલાકારો માટે પ્રેરણારૂપ છે.