Ahmedabad Accident: અમદાવાદના ઘોડાસર બ્રિજ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે. બંધ પડેલી AMTS બસનું સમારકામ કરી રહેલા બે ફોરમેન આઇસર ટ્રકની ટક્કરથી કચડાઈ જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.


ઘોડાસર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક AMTS બસ બંધ પડી ગઈ હતી. બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ સિમેન્ટ ભરેલી એક મીની આઇસર ટ્રકે એક AMTS બસને જોરથી ટક્કર મારી. આ અકસ્માતમાં બંને બસની વચ્ચે ઉભા રહેલા બંને ફોરમેન દબાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણ પંખેરુ ઉડી ગયા.


મૃતકોની ઓળખ:


અકસ્માતમાં મૃત્યુ પામેલા ફોરમેનના નામ હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે. AMTS વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, બંને આદિનાથ બલ્ક એજન્સીના ફોરમેન હતા. AMTS વિભાગ દ્વારા તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે.


આ અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો.


અકસ્માતનું કારણ


પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે બ્રિજ પર ટોઈંગ દરમિયાન સાંકળ છૂટી જવાથી ફરીથી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ પાછળથી આવી રહેલી આઇસર ટ્રકે ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.


ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધારો


ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં 1.62 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માતોને કારણે થતી ઇજાઓના પ્રમાણમાં 5.10%નો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં 1.55 લાખથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે માર્ગ સલામતી માટે વધુ કડક પગલાં લેવાની તાતી જરૂર છે. વર્ષ 2024માં સરેરાશ રીતે દર કલાકે માર્ગ અકસ્માતમાં કુલ 19 લોકો ઘાયલ થયા હતા. આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે અને માર્ગ સલામતીના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે કુલ 81,305 વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે જુલાઈ અને ડિસેમ્બર 2024 વચ્ચે 81,649 વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે વર્ષના બંને ભાગમાં અકસ્માતોની સંખ્યા લગભગ સમાન રહી છે. વર્ષ 2023માં જાન્યુઆરીથી જૂન સુધીમાં 81,192 લોકો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હોવાનું નોંધાયું હતું. આ સરખામણી દર્શાવે છે કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે. EMRI (ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ઇમરજન્સી રિસ્પોન્સની માહિતી અનુસાર, અમદાવાદ ગુજરાતના જિલ્લાઓની યાદીમાં ટોચ પર છે જ્યાં માર્ગ અકસ્માતમાં ઇજાઓ માટે સૌથી વધુ લોકોને સારવારની જરૂર પડી છે. આ સૂચવે છે કે અમદાવાદ શહેરમાં માર્ગ સલામતી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.


આ પણ વાંચો...


ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી