અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં હજુ ચાર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે આ જિલ્લાઓમાં માત્ર એક-એક કેસ જ એક્ટિવ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે તાપી જિલ્લો કોરોના મુક્ત થતાં ગુજરાતમાં 6 જિલ્લા કોરોના મુક્ત થઈ ગયા છે. અમરેલી, તાપી, નર્મદા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.


આ સિવાય છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, ડાંગ અને વલસાડ એમ આ પાંચ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 13 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 1 વ્યક્તિ જ સારવાર હેઠળ છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.



અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં તમામ 3 લોકો રિકવર થતાં એક પણ કેસ એક્ટિવ નહોતો, પરંતુ ફરીથી બે દિવસ પહેલા એક કેસ સામે આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોય ચેપ ફેલાવાની શક્યતા લગભગ નથી. ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.

વલસાડમાં કોરોનાના છ કેસો નોંધાયા છે, જેમાંથી 4 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે હવે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં માત્ર એક કેસ એક્ટિવ છે. તેમજ નવો કોઈ કેસ આવ્યો નથી. ત્યારે આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.