અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સવારથી જ ધાબા-અગાસી અને ટેરેસ પર ચડી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સવારથી જ ખુલ્લું રહેતા અને પવન પણ નીકળતા પતંગરસીયાઓને જલસા પડી ગયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી મેયર બિજલ પટેલના પાલડી સ્થિત નિવાસસ્થાને જઈને અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી. જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતાં.

અમદાવાદમાં સવારથી જ સારો પવન રહેતા આકાશમાં રંગબેરંગી પતંગો ચગવા લાગ્યા છે. નાના બાળકો, યુવાઓ અને વૃદ્ધો સવારથી જ પતંગનું આકાશી યુદ્ધ ખેલવા ધાબા ઉપર પહોંચી ગયા છે. જ્યાં જુઓ ત્યાંથી એ લપેટ.. કાઈપો છે..ની બૂમાબૂમ શરૂ થઈ ગઈ છે. ડીજેની ધૂમ સાથે પતંગ ચગાવી યુવાનો ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. પતંગ રસિયાઓએ ધાબા પર તલસાંકળી, શેરડી, બોર, ચિક્કીની પણ મોજ માણી રહ્યા છે.