અમદાવાદઃ લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ખાઉગલીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલોપમેન્ટ કરીને ‘હેપ્પી સ્ટ્રીટ’ તૈયાર કરવામાં આવી છે જે એક નજરે જોતાં ગમી જાય તેવી જગ્યા બની ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુક્રવારે આ ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બીજલ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

‘હેપ્પી સ્ટ્રીટ’માં અલગ-અલગ ફૂડવાનની સાથે બાળકો માટે સાયકલિંગ તેમજ અન્ય પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. હેપ્પી સ્ટ્રીટની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

નવેમ્બર મહિનામાં જ ‘હેપ્પી સ્ટ્રીટ’ના સ્ટોલની હરાજી કરવામાં આવી હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂપિયા 2 લાખ જેટલી બોલી લગાવવામાં આવી હતી.

આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો છે. તેમજ અનેક ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. ‘હેપ્પી સ્ટ્રીટ’ સાંજના 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.

જોકે મહત્વની વાત એ છે કે, દિવસ દરમિયાન આ જગ્યાને પાર્કિગ તરીકે ઉપયોગ કરવામાં આવશે. મોટી ફૂડ વાનની નજીક 24 અને નાના ફૂડવાનની નજીક 8 ગ્રાહકોની ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવી શકાશે.