AHMEDABAD : ગુજરાત કોંગ્રેસના કારૂકરી પ્રમુખે પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને પાટીદાર સમાજ વિષે વિવાદિત નિવેદન આપ્યું હતું.   જે બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં ભડાકો થયો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાએ પાટીદાર સમાજ માટે 11% અને નરેશ પટેલ વિશે કરેલી ટિપ્પણીને લઈ અને હવે કોંગ્રેસના જ પાટીદાર અગ્રણીઓ નારાજ થયા છે. 


કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળી 
આ મુદ્દે આજે 24 જુલાઈએ અમદાવાદમાં એસજી હાઇવેના એક પાર્ટીપ્લોટમાં  ગુજરાતભરના કોંગ્રેસ સાથે સંકળાયેલા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ  કરેલા નિવેદનની આ બેઠકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી તેની નિંદા કરવામાં આવી હતી.


બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર ? 
આ બેઠકમાં મનહર પટેલ, રમેશ દૂધવાળા, નીતિન પટેલ (નારણપુરા), ડો.જીતુ પટેલ, નિકુંજ બલ્લર, ગીતા પટેલ (ગાંધીનગર), પંકજ પટેલ, જયપ્રકાશ પટેલ (મહેસાણા), મનુ પટેલ (સુરેન્દ્રનગર)
અને હિમાંશુ પટેલ (અડાલજ) સહિતના પાટીદાર નેતાઓ હાજર રહ્યાં હતા. 


દિલ્લીમાં રજૂઆત  કરવાની તૈયારી 
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્મા સાથે ટેલીફોનિક વાતચીત કરી અને દિલ્લીમાં હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિધાનસભા 2022ની ચૂંટણી નજીક છે ત્યારે આવા નિવેદનો અને આવા નિવેદન કરનાર નેતાઓ કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવા સમયે ગુજરાતની અંદર રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતો પાટીદાર સમાજ અને તેના અગ્રણીઓ કે જે કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે તે કોંગ્રેસથી નારાજ થયા છે. 


શું કહ્યું હતું કદીર પીરઝાદાએ ?
કોંગ્રેસના લધુમતી સદભવનાં સંમેલનમાં કાર્યકારી પ્રમુખ  કદીર પીરઝાદાએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ ભાગે છે, મુસલમાનોને કોંગ્રેસ ભુલી જાય છે.  ચૂંટાયેલા  ધારાસભ્યો કબ્રસ્તાન માટે ગ્રાન્ટ નથી ફાળવતા ત્યારે દુઃખ થાય છે. હવે તો કોંગ્રેસમાંથી પણ અમને દૂર રાખવામાં આવે છે. સ્ટેજ ઉપરથી મને સાઈડમાં કરવામાં આવે છે.આવા નેતાઓને ચીમકી આપું છું કે, અમને દૂર કરસો તો તમારી હસતી મટી જશે.