અમદાવાદઃ  ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારીનું મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ, તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય લેશે.


રઘુ શર્માએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું સ્વાગત છે. જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં સ્વાગત અંગે આપ્યા સંકેત. નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ બંને એક બીજાના સંપર્કમાં છે. જરૂર પડે કોંગ્રેસ પન્નાઓ ખોલશે.


રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલે ફરી એકવાર નિવેદન આપ્યું હતું. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે આ નિવેદન પત્રકાર પરીષદમાં આપ્યું હતું. આજે ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ છે, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. 


ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રથમ બેઠક મળવાની છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથની બેઠકો માટે ચર્ચાનો પ્રારંભ થશે. 


2017માં આ ચારેય જિલ્લાની બેઠકો પર ચૂંટણી લડેલા લોકો સાથે ચર્ચા કરશે. ચારેય જિલ્લાના આગેવાનો સાથે પણ પ્રભારી રઘુ શર્મા ચર્ચા કરશે. 2017ની ચૂંટણી જીતેલા અને હારેલા તમામ લોકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ચૂંટણીને હવે નવ જ મહિનાની વાર છે, ત્યારે કોંગ્રેસે અત્યારથી જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.