આણંદઃ કોંગ્રેસના કદાવર  નેતા ભરતસિંહ  સોલંકીએ  ડિવોર્સ માટે અરજી બોરસદ કોર્ટમાં દાખલ કરી છે. પત્ની રેશ્મા પટેલ સાથે  લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝગડાને લઇ ડિવોર્સ માટે અરજી દાખલ કરી. પત્ની રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી સામે અવાર નવાર કોર્ટ નોટીસ અને પેપરોમાં જાહેર નોટીસ આપતાં અંતે ભરતસિંહ સોલંકીએ કંટાળી જઈ ડિવોર્સ માટે અરજી દાખલ કરી છે. પ્રથમ  સુનાવણી આવતા મહિને 4.5.22 ના રોજ થશે.


અમેરિકાથી પરત ફરેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ છૂટાછેડા માટે અરજી કરી છે. રેશ્મા પટેલ બોરસદમાં બીવરલી હિલ્સમાં રહે છે.  રેશ્મા પટેલે અગાઉ જણાવ્યું હતું કે પોલીસ પાસે રક્ષણ માગ્યું છે અને ના છૂટકે કોર્ટમાં જવુ પડ્યું છે. જોકે મારો અધિકાર છે અને હું અહીં જ રહીશ. હું હાલ ઘરે જાઉ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. 


અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે ભરતસિંહ મામલે જણાવ્યું હતું કે,  છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.


ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.  


રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો.