અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત આમ આદમી પાર્ટીને નવા પ્રભારી અને રણનીતિકાર પ્રો. સંદીપ પાઠક મળ્યા છે. આવતી કાલથી આપ નવી રણનીતી ઘડવાની અને તેને અમલી બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. મળગળવારે પ્રો. સંદીપ પાઠકની અધ્યક્ષતામાં ગુજરાત આમ આદમીના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓની એક મેરેથોન બેઠક યોજાશે. આ બેઠકમાં લોકસભા અને વિધાનસભાની પ્રભારીઓને પણ હાજર રાખવામાં આવશે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો દાવો છે કે, વિધાનસભામાં આમ આદમી પાર્ટી 50 બેઠક જીતી રહી છે. સરકારી ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટએ કરેલા સર્વેમાં આવો રિપોર્ટ આવ્યો છે. આમ આદમી પાર્ટી 50થી 60 બેઠક જીતે છે. ગઈ કાલે સવારે 11 વાગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ-કોન્ફરન્સના સંબોધનમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પોતાના પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી(AAP)ના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદ અને પંજાબ ચૂંટણીના ચાણક્ય પ્રો.ડો.સંદીપ પાઠકનું પ્રદેશ કાર્યાલય ખાતે સ્વાગત કરાયું અને તેમણે વિધિવત રીતે પ્રભારી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સાથે જ IBના સર્વેના રિપોર્ટ મુજબ ગુજરાતમાં અત્યારે ચૂંટણી કરવામાં આવે તો AAPને 55થી 60 બેઠક મળી શકે છે.
ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે. આજે મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો પાટનગર ગાંધીનગર પહોંચ્યા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માંગ હતી કે ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ મહેકમ પ્રમાણે સાડા બાર હજાર જગ્યા પર ભરતી કરવામાં આવે. ધરણાં પર બેઠી વિદ્યાસહાયક મહિલા ઉમેદવારોની પોલીસે જ્યારે અટકાયત કરી તો તે ભાવૂક થઈ ગઈ. આ તરફ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રાથમિક શાળામાં 20 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકાર ભરતી નથી કરતી.
વિદ્યાસહાયકોની ભરતી અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે તેમ છતા માત્ર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. RTEનો અમલ કરવામાં આવે તો 30 હજાર શિક્ષકોની ઘટ છે. 4 વર્ષથી ભરતી કરવામાં નથી આવી, લાંબી લડાઈ પછી માત્ર 3300 જગ્યા ભરવાની સરકારે જાહેરાત કરી છે. 700 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. જ્યારે 47 હજારથી વધારે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે. 10 હજાર વિદ્યાસહકોની ભરતી કરવા કોંગ્રેસની માંગ છે.
રાજ્યમાં આજથી હીટવેવની આગાહી
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે અને સતત બીજા દિવસે સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે નોંધાયો હતો.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 41. 6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.