અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના દાદાનું નિધન થયું છે. આ અંગે ખુદ હાદિક પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેના દાદા નરસિંહભાઇ નારાયણભાઈ પટેલનું 86 વર્ષની વયે નિધન થયું છે.
હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં શું લખ્યું
એક ખેડૂત અને નીતિ, નિયતને મૂડી સમજી જીવન જીવનાર મારા પૂજ્ય દાદા નરસિંહભાઇ નારાયણભાઈ પટેલ આજે ૮૬ વર્ષની વયે સ્વર્ગ લોક સિધાવ્યા છે. ભગવાન ને પ્રાર્થના કરું કે દાદાની પવિત્ર આત્માને શાંતિ અર્પે.
કહેવત છે કે દાદા પૌત્રને ખુબ વ્હાલ કરે.
આ મારા દાદાએ ઈમાનદારીથી ખેતીમાં મહેનત મજૂરી કરીને અમારા આખા પરિવારને સુખના સાથી બનાવ્યા. મેં જયારે મારા પિતાનો સાથ ગુમાવ્યા ત્યારે મને એમ હતું કે મારા બાપાના બાપા છે ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી, પરંતુ આજે દાદા પણ ભગવાન ની સેવા માટે અનંત યાત્રાએ નીકળી ગયા.
હું જયારે ઉપવાસ પર ઉતાર્યો ત્યારે મારા દાદા મને મળવા આવ્યા હતા અને એટલું કહ્યું હતું "મર્દનો દીકરો છું, લોકહિતના કામે નીકળ્યો છું, ચોક્કસ સફળ થઈશ, હિમ્મત હારતો નહિ"
ફરી એક વાર દાદાના ચરણોમાં વંદન, ગામડાનું ઘર સૂનું થઇ ગયું 🥲.
ચાલુ વર્ષે મે મહિનામાં થયું હતું પિતાનું નિધન
ચાલુ વર્ષે મે મહિનામાં હાર્દિકના પિતા ભરતભાઈનું નિધન થયું હતું. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલ કોરોના સંક્રમિત થયા બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભરતભાઈના નિધન પર તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાએ શોક વ્યક્ત કર્યો હતો.