AHMEDABAD : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લઘુમતી સમાજના મત જાળવી રાખવા કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને લઘુમતી સેલના ચેરમેન ઈમરાન પ્રતાપગઢી આજે અમદાવાદની મુલાકાતે છે. પ્રતાપગઢીએ આજે ગુજરાત માઈનોરિટી સેલના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


આ બાબતે ઈમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે ગુજરાત આવ્યો છું. ગુજરાત હંમેશાથી વિકસિત રાજ્ય છે. આ ગુજરાત મોડેલ નથી મોદી મોડેલ છે જે ખોટું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થાય છે. ગુજરાતમાં આવતું ડ્રગ્સ કોણ મંગાવે છે તેની તપાસ નથી થતી. રાજીવ ગાંધીની યાદો લોકોને યાદ કરાવશું.


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે થયેલી CBIની કાર્યવાહીને અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ ભાજપ અને આપ વચ્ચેની નુરાકુસ્તી ગણાવી હતી.ભાજપ અને આપ વચ્ચે નુરાકુસ્તી ચાલી રહી છે. સમગ્ર દેશ આ નુરાકુસ્તી જોવે છે અને સમજે પણ છે. 


વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જો કે ચૂંટણી પહેલા ટિકિટને લઈને પણ રાજકારણ ગરમાવા લાગ્યું છે. તો બીજી તરફ સત્તાધારી પાર્ટી ભાજપમાં પણ કોનું પત્તુ કપાશે અને કોને લોટરી લાગશે તેને લઈને પણ અટકળો શરુ થઈ ગઈ છે. હવે જ્યારે ગુજરાતના બીજેપીને વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વિજય રૂપાણીને ચૂંટણી લડવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.


ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી પહોચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. ચૂંટણી લડવા અંગેના પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, અમારે ત્યાં કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. આ અગાઉ કહ્યું તેમ હું કાર્યકર્તા છું. પાર્ટી ચૂંટણી લડાવશે તો હું લડીશ, નહીં લડાવે તો કાર્યકર્તા તરીકે જે કામ સોંપશે તે કરીશ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બને તે માટે પ્રયત્ન કરીશું. આમ વિજય રૂપાણીએ ચૂંટણી લડવાનો તો સંકેત આપી જ દીધો છે.