AHMEDABAD : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય વર્તુળોમાં વિવાદ ઉભો થયો છે. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો હક લઘુમતીઓનો છે.  કોંગ્રેસની આ જ વિચારધારા છે. કોંગ્રેસને આ વિચારધારાના કારણે ઘણું નુકશાન થયું છે. કોંગ્રેસ નુકશાન સહન કરશે પણ વિચારધારા નહિ બદલે. આજે પણ કહીએ છીએ કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે.


કોંગ્રેસના પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતી નો છે, આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છેઆ બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પોતાની વિચારધારા ને વરેલી છે.


શું કહ્યું ભાજપે ?
જગદીશ ઠાકોરના આ નિવેદન મુદ્દે ભાજપે પ્રહાર કર્યા છે. આ મામલે વડોદરા ભાજપ માઈનોરિટી સેલના પ્રમુખ અઝીઝ કેમ્પવાલાએ કહ્યું કે કોંગ્રેસ પ્રમુખનું આ નિવેદન ભૂલ ભરેલું છે. ભારતની સંપત્તિ કોઈ એક સમાજ માટે નથી.દેશ અને રાજ્યમાં ભાજપની સરકાર તમામ સમાજ માટે એક સરખી નીતિથી કામ કરી રહી છે. 2022ની ચૂંટણીમાં માઈનોરિટીની વોટ બેન્ક માટેનું નિવેદન છે, જો કે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ ને આવા નિવેદનથી પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જ ફાયદો થવાનો નથી. 


કોંગ્રેસે કર્યો બચાવ 
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના  નિવેદન “દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીનો છે” આ મામલે વડોદરા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ મોહસીનખાન પઠાણે નિવેદન આપ્યું છે. 
તેમણે કહ્યું કે પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે.મુસ્લિમ, શીખ, જૈન, પારસી સમાજ પણ માઈનોરિટીમાં જ  આવે છે.કોઈ એક સમાજ ની વાત કરવામાં આવી નથી. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ એ પોતાનો મત વ્યક્ત કર્યો હતો તે મામલે જગદીશ ઠાકોરે  વાત કરી હતી.


કોંગ્રેસ કાર્યાલય બહાર લખાયું ‘હજ હાઉસ’


કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આ નિવેદનથી રોષે ભરાયેલા VHP અને બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય બહાર દીવાલો પર ‘હજ હાઉસ’ લખી દીધું હતું. જો કે કોંગ્રેસ નેતાઓના ધ્યાને આવતા જ તરત જ સફેદ કલર લગાવી આ લખાણને ઢાંકી દેવામાં આવ્યું હતું.