Ahmedabad : ગુજરાતના મિશન 2022 એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.  આવતીકાલે 1 ઓગષ્ટે કોંગ્રેસની ચાર સંસ્થાઓના રાષ્ટ્રીય પ્રમુખો ગુજરાત આવશે. NSUI, યુથકોંગ્રેસ, સેવાદળ અને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અમદાવાદ આવશે. કોંગ્રેસ ભવન ખાતે આવતીકાલે ચારેય સંસ્થાઓના રાષ્ટ્રીય પ્રમુખોની બેઠક મળશે. પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક થશે. 


આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની કામગીરી સોંપવા અંગે ચર્ચા થઇ શકે છે. દરેક સંસ્થાને ગુજરાતમાં પોતાના પ્રતિનિધિ મૂકવાની જવાબદારી આપવામાં આવશે. ક્યા મુદ્દે કંઈ સંસ્થા ચૂંટણી સુધી શું કામગીરી કરશે તે અંગે પણ ચર્ચા થશે. 


NSUIના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદન, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બી વી, મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ નેટા ડીસુઝા અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પણ હાજર રહેશે.  


4 ઓગષ્ટે અશોક ગેહલોત પણ આવશે અમદાવાદ 
મિશન 2022ને લઈ કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 4થી ઓગષ્ટના રોજ ગુજરાત આવશે. અશોક ગેહલોત  ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને  આખરી આપો આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરવામાં આવશે તો સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે. 19 જૂલાઇના રોજ મોકુફ રહેલઈ  બેઠક હવે 4 ઓગષ્ટના રોજ થશે. 


શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ શરત મૂકી છે કે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાશે. શંકરસિંહ વાઘેલાએ જે શરત મૂકી છે કોંગ્રેસમાં સામેલ થવાની તે શરત અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસમાં આવવું હોય તો તે આવી શકે વાતચીત તો ચાલે છે પરંતુ કોંગ્રેસમાં ક્યારેય કોઈની શરતી એન્ટ્રી થતી નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે.