અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાના કારણે આ અફવાઓ ચાલી રહી છે. યોગાનુયોગ રાજ્ય સરકારની હાઈલ લેવલ કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘરે સોમવારે મળવાની છે તેના કારણે લોકડાઉન ફરી લદાશે એવી અફવા સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે પણ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ જાહેરાત કરાઈ નથી કે સંકેત નથી અપાયો. 


ગુજરાત સરકાર દ્વારા પહેલાં જ કહી દેવાયું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. રાજ્ય સરકારની હાઈલ લેવલ કમિટીની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઘરે સોમવારે મળવાની છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એ ચાર શહેરોમાં નાઈટ કરફ્યુ અંગે નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોરોનાની સ્થિતીની સમીક્ષા કરીને સાવચેતીનાં શું પગલાં લેવાં તેની વ્યૂહરચના ઘડાશે.  


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. બીજી તરફ ચાર મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી નાઇટ કર્ફ્યૂની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે, ત્યારે કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. જોકે, સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે નાઇટ કર્ફ્યૂની અવધી પૂરી થઈ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક બેઠક મળશે. જેમાં વધતા સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ ચારેય મહાનગરમાં રાત્રીના 12થી સવારે 6 વાગ્યે કર્ફ્યુ અમલમાં છે.