અમદાવાદઃ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવતાં તેમણે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આજે કાયદા મંત્રી પ્રદીપ પરમાર પવન તોમરના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના ગુંડા દ્વારા ભાજપના યુવા મોરચાના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો છે. 27 વર્ષના ભાજપના શાશનથી કેજરીવાલના ગુંડા ગભરાયા છે. ખાલિસ્તાનને સમર્થન આપનારા કેજરીવાલના ગુડાઓનું આ કૃત્ય છે. આવનારા દિવસોમાં આ નક્સલીઓને ગુજરાતીઓ જવાબ આપશે.

મંગળવારે અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.ભાજપના યુવા મોરચાના ગોમતીપુર વોર્ડના પ્રમુખ પવન તોમરને છરી વાગતા તેઓને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.રાજ્યના બે મંત્રીઓ જગદીશ પંચાલ અને પ્રદીપ પરમારે આજે હોસ્પિટલ જઈ ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં મીડિયા સાથેની વાતમાં બંને મંત્રીઓએ કેજરીવાલને આડેહાથ લેતા તેમના કાર્યકરોને ગુંડાઓ અને અર્બન નક્સલીઓ સાથે સરખાવતાં આપ હાર ભાળી જતા આ પ્રકારના રાજકારણ પર ઉતરી આવ્યોનો આરોપ લગાવ્યો હતો.


પવન તોમર  આપના કાર્યકરો સાથે ગઈકાલે થયેલી મારામારીમાં પવન તોમર ઘાયલ થયા છે. આપના 6 જેટલા કાર્યકરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 307 કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ પણ પહોંચ્યા.


મંત્રી જગદીશ પંચાલે કહ્યું હતું કે, રાજકારણનું વરવું દ્રશ્ય જોવા મળ્યું છે. કેજરીવાલના ગુંડાઓ અને અર્બન નક્સલીઓએ આ કૃત્ય કર્યું છે. ગુજરાતની જનતા આ અર્બન નક્સલીઓને ક્યારેય માફ નહિ કરે. હાર ભાળી ગયેલા કેજરીવાલના ગુંડાઓએ 8 ઇંચ જેટલા ખંઝરથી વાર કર્યો છે. 10 દિવસ બાદ અમારો આ કાર્યકર ફરીથી જનતાની સેવામાં કાર્યરત થશે.