અમદાવાદ: ‘થઈ જશે’ અને ‘રેવા’ જેવી ગુજરાતી ફિલ્મથી ફેન્સના દિલમાં સ્થાન જમાવનાર ફેમસ અભિનેત્રી મોનલ ગજ્જરનો ફોન ચોરી થઈ ગયો છે. મોનલ ગજ્જરનો આઈફોન ચોરાઈ ગયો હતો. આ બાબતે મોનલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાપુરના પ્રેરણા ટાવરમાં રહેતી અને અભિનેત્રી તરીકે કામ કરતી મોનલ ગજ્જરે 28 માર્ચના રોજ લાઈપો સેક્શનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ 30 માર્ચના રોજ રજા આપતા તે પોતાના ઘરે આરામ કરી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેના કેટલાક મિત્રો અને સંબંધિઓની તેની ખબર અંતર પૂછવા માટે ઘરે અવર-જવર રહેતી હતી.

જોકે 2 એપ્રિલના રોજ સવારે મોનલ ગજ્જરને પોતાના ફોનની જરૂર પડતાં તેણે ફોન શોધ્યો પરંતુ ઘરમાંથી ફોન મળી આવ્યો ન હતો. જેથી તેણે 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે, બેંકમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર મોનલ ગજ્જર ફિલ્મ્સ તરફ વળી હતી અને આજે તે ફિલ્મ જગતમાં જાણીતું નામ છે. મોનલ ગજ્જરે મોડલિંગની દુનિયામાંથી સાઉથની ફિલ્મ્સમાં પગ મૂક્યો હતો. જ્યાં તેણે ઘણી ફિલ્મ્સ કરી હતી.