અરજી ફગાવતાં કોર્ટનું તારણ હતું કે, આ અરજીમાં હાર્દિકે સજા સામે કરેલી અપીલ પર નિર્ણય લેવાનો નથી. એટલે પુરાવાનું મુલ્યાંકન આ અરજીમાં ના કરાય. કન્વીક્શન સ્ટે કરવાની અરજી નક્કી કરતી વખતે કેસની વિગતો સિવાય આરોપીની ઓવરઓલ વર્તણૂક અને વર્તન પણ મહત્વનું પાસુ છે.
કોર્ટે નોંધ્યું કે, રાજદ્રોહહના બે ગુનાઓમાં કાયદો અને વ્યવસ્થાની બાંહેધરી પર હાર્દિકને જામની પર મુક્ત કરાયો હતો. હાર્દિકે આ શરતોનું પાલન નથી કર્યું અને 17 જેટલા બીજા ગુનાઓની એની સામે એફઆઇઆર થઈ છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે, પુરાવાનો અભાવ હોવા છતાં ટ્રાયલ કોર્ટે સજા કરી એવી હાર્દિકની દલિલ હાલના તબક્કે માની શકાય એવી નથી.
હાર્દિકે દાવો કર્યો હતો, કે તેને દોષિત જાહેર કરવાનો નીચલી કોર્ટનો નિર્ણય ભૂલ ભરેલો છે. પુરાવાઓના યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના જ તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ ભરેલા નિર્ણય પર મનાઈ હુકમ અપાવો જોઈએ. લોકસભા ચૂંટણી લડવા માટે કન્વિક્શન પર સ્ટે જરૂરી છે. હાર્દિક જનપ્રતિનિધિ બનીને લોકસભામાં લોક પ્રતિનિધિત્વ કરવા માંગે છે. જો કોર્ટ કન્વિક્શન પર સ્ટે ના આપે તો બદલી જ ના શકાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.
સુનાવણી દરમિયાન સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કન્વિક્શન પર સ્ટે અસાધારણ સંજોગોમાં અપાવો જોઇએ. કન્વિક્શન પર સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તે પુરતું જ નહીં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. હાર્દિકને મહિલાઓ માટે કે અન્ય સમુદાયો માટે કોઈ માન નથી. હાર્દિકને કાયદાનો ડર ના હોય તે પ્રકારની વર્તણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી વાળા હોવા જોઈએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે સારી બાબત નહીં. જન પ્રતિનિધી બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવુ જરૂરી નથી. સામાજીક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી લડવી હોવાથી કોઈની સજાને સસ્પેંડ કરી શકાય નહી.
બંને પક્ષોની દલીલો બાદ જસ્ટિસ એ.જી. ઉરેઝીએ બંને પક્ષોને ટકોર કરી હતી કે તેઓ પોતાની લેખિત દલીલો કોર્ટમાં રજુ કરે. નોંધનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે કરેલી સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી છે અને સાથે જ પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી છે.
જ્યારે રાજ્ય સરકારે હાર્દિક વિરુદ્ધના પુરાવાઓ કોર્ટના રેકર્ડ પર મુક્યા છે અને સોગંદનામું પણ કર્યું છે. હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હતી. સરકારે એમ પણ દલીલ કરી હતી કે હાર્દિક પટેલ શાંતીપૂર્ણ રીતે પોતાનો વિરોધ કરે એનાથી કોઈને આપત્તિ નથી. હાર્દિક પટેલ પોલિટિકલ પાર્ટીમાં જોડાય એનાથી પણ કોઈને આપત્તિ નથી.આજ કાલ લોકો પોતાની લોયલ્ટી બદલતા રહે છે બધાએ જોયુ છે. આપત્તિ એ નથી કે તેણે આંદોલન કર્યુ પરંતુ પોતાના જામીન માટે તેણે કોર્ટેને જે બાંહેધરી આપી અને પાલન ના કર્યું તેની સામે વાંધો છે.
હાલ હાર્દિક સામે રાજદ્રોહ સહિત 30થી વધુ ગુનાઓ નોંધાયા છે અને હાર્દિકને કાયદાનો ડર ના હોય એમ તે વર્તી રહ્યો છે. આવી વ્યક્તિને કોર્ટે રાહત આપવી જોઈએ નહીં. હાર્દિક જ્યારે પણ બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે, ચૂંટણીમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે છે.