અમદાવાદમાં લાંબા સમચ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરીજનો ઘણા સમયથી વરસાદની કાગડોળે રાહ જોતા હતા ત્યારે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના જન્મોત્સવ પહેલા મેઘમહેર થતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતાં લોકોને હાલ ગરમીથી છૂટકારો મળ્યો છે. અમદાવાદના થલતેજ, બોપલ, ગોતા, પ્રહલાદનગર, રાણીપ, ઘાટલોડિયા, નિકોલ, ચાંદખેડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. 


હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.


ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે. નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે.