અમદાવાદના પૂર્વ ઝોનમાં 40 MM, પશ્ચિમ ઝોનમાં 25 MM, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 30 MM, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 35 MM, મધ્ય ઝોનમાં 25 MM, ઉત્તર ઝોનમાં 25 MM, દક્ષિણ ઝોનમાં 50 MM વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ અમદાવાદમાં સરેરાશ 30 MM વરસાદ નોંધાયો છે. રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ સાથે અમદવાદ શહેરમાં સિઝનનો કુલ 100 MM વરસાદ નોંધાયો છે.
અમદાવાદ વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડવાના અનેક બનાવો સામે આવ્યા છે. ફાયર બ્રિગેડને આખી રાત આ અંગે કોલ મળતાં રહ્યાં હતાં. અમદાવાદમાં 15થી વધારે જગ્યાએ ઝાડ પડવાના બનાવ સામે આવ્યા છે. જેમાં ચાણક્યપુરી, મેમનગર, નારોલ-ઇસનપુર રોડ, ગોળ લીમડા, ખાનપુર, ભુલાભાઈ ચાર રસ્તા, ગોતા ફલાયઓવર, કાંકરિયા, શાહીબાગ પોલીસલાઈન, વેજલપુર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ઝાડ પડ્યાં છે.
રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવોની સાથે સાથે સીટીએમ વિસ્તારોમાં રસ્તામાં એક ટ્રક ફસાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. રસ્તામાં કરેલા ખોદકામને કારણે ટ્રકનું વ્હીલ જમીનમાં ઉતરી ગયું હતું.