અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ લેશે. અન્ય કોઈ શપથ નહીં લે.
સીએમ તરીકેની જાહેરાત બાદ શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડીલોએ સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરહંમેશા મારા પર આશીર્વાદ આનંદીબેનના રહ્યા છે અને રહેશે. ગુજરાતના જે વિકાસના કર્યો છે તે સરકાર અને સંગઠનની સાથે રહીને કરીશું. અત્યાર સુધીમાં ખૂબ સારા કાર્યો થયા અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. વધુમાં પણ જે કઈ કામ બાકી હશે તે અમે નવે સરથી પ્લાન કરીને સંગઠનની સાથે બેસીને ખૂબ સારી રીતે આગળ વધાય તે માટેના પ્રયાસ કરીશું. તેમણે કહ્યું હતું કે, મને કોઈ અણસાર હતો કે નહીં તે તમને બધાને ખબર પડી જ ગઈ હશે. પાર્ટીની પદ્ધતિ જ નથી કે જ્યારે પાર્ટી કહે ત્યારે જ નામની ખબર પડે. ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ચૂંટણી લક્ષી કામ કરવા માટે ટેવાયેલી નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો છે અને કામ કરતો રહેશે.
સિવિલ એન્જિનિયર છે ભૂપેન્દ્ર પટેલ
તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.
સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો. ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના સૌથી વધુ લીડથી જીત્યા હોવા છતાં મંત્રીમંડળમાં બાદબાકી કરવામાં આવતાં કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું.