અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે વધુ છ ઈંચ સુધી મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ અમદાવાદમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં જુલાઇ માસથી ચોમાસાના પ્રભુત્વમાં વધારો થતો હોય છે. જોકે, જુલાઇ માસને ૧૭ કરતાં વધુ દિવસ થઇ ગયા હોવા છતાં અમદાવાદને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં આગામી ૨૨ જુલાઇ સુધી માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદને સારા વરસાદ માટે હજુ ૨૫ જુલાઇ સુધી રાહ જોવી પડી શકે છે. વરસાદ ખેંચાતા લોકો બફારા-ગરમીથી ત્રસ્ત થયા છે.  


અમદાવાદમાં હજુ સુધી ૫.૩૧ ઈંચ સાથે મોસમનો ૧૯.૬૫% જ વરસાદ નોંધાયો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી ૬.૯૫ ઈંચ સાથે મોસમનો માત્ર ૨૧.૦૪% વરસાદ નોંધાયો છે. ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ સુધી વરસાદ નોંધાયો હોય તેવા માત્ર બે તાલુકા છે.


જામનગર શહેરમાં પણ તોફાની પવન સાથેના એક કલાક ખાબકેલા વરસાદમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જામનગરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જામનગરના લાલપુરમાં પણ ભારે વરસાદના કારણે ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ પેદા થઇ હતી. નદીમાં પૂર આવતા નદી કાંઠે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતાં.


દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચીખલીમાં સાડા 3 ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં વધારો થયો છે. ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.