Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે. જ્યારે લઘુતમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યા હતા ત્યારે પવનની દિશા બદલાતા પવનની ગતિ 10 km પ્રતિ કલાકે નોંધાઈ છે. આજે ઉત્તર પૂર્વ દિશામાં ફુંકાઈ રહ્યા છે જ્યારે ઉત્તર દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ રહ્યા છે. જોકે હાલ વાતાવરણમાં ભેજ હોવાના કારણે છૂટાછવાયા વાદળો પણ જોવા મળી રહ્યા છે અમદાવાદનું તાપમાન 18 .8  ડિગ્રી નોંધાયું છે.


રાજ્યમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં પડેલા વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. હાલમાં કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આ પહેલા જણાવ્યું હતું કે, શિયાળાની સિઝન પુરી થાય તે પહેલા ફેબ્રુઆરીના અંતમાં કેટલાક વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી શકે છે.


વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો


હવામાન વિભાગની ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી અને હાલમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકને માવઠાની અસરથી નુકશાન થવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.


આ પહેલા હવામાન નિષ્ણાત તરીકે જાણી અંબાલાલ પટેલે પણ ફેબેરુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળવાની આગાહી કરી હતી, આ સાથે કચ્છ તથા રાજસ્થાનના કેટલાક સરહદી વિસ્તારમાં માવઠાના છાંટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.


હવામાન વિભાગ દ્વારા મધ્ય ભારતના રાજ્યોમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય 29 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે 1 માર્ચથી 4 માર્ચ સુધી વરસાદ પડશે. અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સિવાય ઓડિશામાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે વાતાવરણમાં હળવી ઠંડી વધી છે.  નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થયો છે.