અમદાવાદઃઈન્ડિયન એપિલેપ્સી એસોસિએશન અને ઈન્ડિયન એપિલેપ્સી સોસાયટી દ્વારા વાઈ-આંચકી-ખેંચ અંગે અદ્યતન સંશોધનો અને જાણકારી માટે પ્રતિ વર્ષ ECON નામની રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમવાર હેરિટેજ સિટી અમદાવાદમાં 17 થી 19 જાન્યુઆરી, 2020 દરમિયાન ECONનું આયોજન કરવામાં આવ્યું છે.
ECON 2020નાં કાર્યક્રમોની વિગતો આપતા ECON 2020નાં ઓગેર્નાઈઝિંગ ચેરમેન પ્રો. ડો. સુધીર શાહે જણાવ્યું હતું, ‘ભારતમાં 10 મિલિયન લોકો વાઈ-આંચકી-ખેંચથી પીડાતા હોવાનો અંદાજ છે, જે વિશ્વમાં દર્દીઓની સરખામણીમાં છઠ્ઠો ભાગ છે. ગુજરાતમાં વાઈ-આંચકી-ખેંચનાં 6 થી 7 લાખ દર્દીઓ હોવાનો અંદાજ છે. ત્રણ ચતૃથાંશ દર્દીઓનાં કિસ્સામાં આ રોગનો સંપૂર્ણ ઉપચાર શકય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગ અંગે ચાલી રહેલા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીનાં કારણે વાઈ-આંચકી-ખેંચનો ઉપચાર વધારે સારા નિયંત્રણ સાથેનો અને દર્દીની વધુ સારી સંભાળ સાથે શક્ય બન્યો છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મગજનું વાયરલ ઈન્ફેકશન અને રોડ ટ્રાફિક એક્સિડેન્ટસનાં કિસ્સાઓમાં વાઈ-આંચકી-ખેંચને વધુ સારી રીતે અટકાવી શકાય છે. ત્રણ ચતૃથાંશ દર્દીઓને ઉપચારથી નિયંત્રણમાં લાવી શકાય છે, જેમાંથી ત્રણ વર્ષનાં અંતે 50 ટકા દર્દીઓ સંપૂર્ણ રોગ મુક્ત થઈ શકે છે.’
પ્રો. ડો. સુધીર શાહે જણાવ્યું કે, ‘ગુજરાતમાં વાઈ-આંચકી-ખેંચનાં જૂજ સારસંભાળ કેન્દ્રો છે, જ્યારે ત્રિવેન્દ્રમ, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં ઘણા એડવાન્સડ સેન્ટર્સ છે. ECON 2020માં માત્ર ન્યુરોફિઝીશયન્સને જ જ્ઞાનનો લાભ મળશે તેવું નથી, પરંતુ તેમાંથી વિદ્યાર્થીઓ એપિલેપ્ટોલોજીસ્ટીસ, દર્દીઓ વગેરેને પણ તાલીમ મળશે.’
‘ECON 2020 દરિમયાન ન્યુરોમોડ્યુલેશન, VNS, RNS, DBS. RTFC, લેઝર, ઓપ્ટીકલ કોહેરન્સ, TMS, જીન થેરાપી, સ્ટેમ સેલ થેરાપી, ઈમ્યુન થેરાપી વગેરે જેવા વાઈ-આંચકી-ખેંચનાં અદ્યતન સંશોધનો અંગે ચર્ચા કરવામાં આવશે.’ તેમ પ્રો. ડો. શાહે જણાવ્યું હતું.
ECON 2020નાં ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. શાલિન શાહે જણાવ્યું હતું કે, ‘ECON 2020માં ભારતભરમાંથી 400થી પણ વધુ ન્યુરોલીજીસ્ટસે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ દિવસની કોન્ફરન્સ દરમિયાન વાઈ-આંચકી-ખેંચ અંગે 6 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીઝ અને અંદાજે 60 રાષ્ટ્રીય ફેકલ્ટીઝ પોતાનું જ્ઞાનસભર વક્તવ્ય આપશે.’
‘આ કોન્ફરન્સનાં છત્ર હેઠળ અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને એકેડમી ઓફ ન્યુરોલોજીસ્ટીસ ઓફ ઈન્ડિયા (એએનએ) દ્વારા વાઈ-આંચકી-ખેંચનાં દર્દીઓ માટે તા. 19 જાન્યુઆરી 2020નાં રોજ એપિલેપ્સી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ન્યુરોલોજીસ્ટસ દ્વારા આ ડિસઓર્ડર અંગે અજ્ઞાન, ભ્રામક માન્યતાઓ અને સામાજિક લાંછન જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.’ તેમ ડો. શાલીન શાહે ઉમેર્યું હતું.
ડો. શાલીન શાહે જણાવ્યું કે, ‘ECON 2020 દરમિયાન ક્વીઝ, મનોરંજન કાર્યક્રમો જેવા કે મ્યુઝિકલ પ્રોગ્રામ- ન્યુરેગામાનું આયોજન કરવામાં આવ્યું છે.’
અમદાવાદઃ ગુજરાતમાં છ લાખથી પણ વધુ ખેંચનાં દર્દીઓ હોવાનો અંદાજ, ECON રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન
abpasmita.in
Updated at:
17 Jan 2020 08:49 PM (IST)
આ વર્ષે પ્રથમવાર હેરિટેજ સિટી અમદાવાદમાં 17 થી 19 જાન્યુઆરી, 2020 દરમિયાન ECONનું આયોજન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -