અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને દરેક લોકોની નજર હવે 23 મેના રોજ આવનારા પરિણામ પર ટકી છે. આ પહેલા એક્ઝિટ પોલના આંકડામાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે, 2019ની ચૂંટણીમાં દેશમાં યુપીએની સરકાર બનશે.

હાર્દિક પટેલે એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મારા એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસને 8થી 10 બેઠકો મળી શકે છે. આ સાથે તેણે વધુમાં કહ્યું હતું કે, 20 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. આ વખતે પણ તેવું જ થશે. આ વખતે UPAની સરકાર બનશે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનથી મોટા નેતા તરીકે બહાર આવેલા હાર્દિક પટેલ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે અન્ય રાજ્યોમાં પણ તેમણે પ્રચાર કર્યો હતો.