અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી. રોડ, પ્રહલાદનગર, સરખેજ, શ્યામલ, જીવરાજપાર્ક, નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વેજલપુર, બાપુનગર, સેટેલાઇટ, આશ્રમરોડ, સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ એકધારો વરસાદ પડી રહ્યો છે. આમ, તો ગઈ કાલે રાતથી શહેરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આજે સવારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે પ્રહલાદનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોને કામ-ધંધે જવાના સમયે જ વરસાદ પડતાં લોકો રેઇનકોટ-છત્રી સાથે કામ-ધંધે જવા નીકળ્યા હતા. આ સાથે અમદાવાદમાં સિઝનનો કુલ 8.75 ઇંચ વરસાદ નોંધાયો છે.
શહેરના પૂર્વ ઝોનમાં સવારથી અત્યાર સુધી સરેરાશ 2.67 તો સિઝનનો કુલ 158.49 મીમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી પૂર્વ ઝોનના ચકુડિયા વિસ્તારમાં 2.5 મીમી, ઓઢવમાં 3.5 મીમી અને વિરાટનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઝોનમાં સવારથી અત્યાર સુધી 0.63 મીમી વરસાદ નોંધાયો છે. પાલડી વિસ્તારમાં 1.5 મીમી,ઉસમાનપુરા 0.5 મીમી અને રાણીપમાં 0.5 મીમી વરસાદ નોંધાયો છે.
આ તરફ દક્ષિણ પશ્ચિમમાં સવારથી અત્યાર સુધી 2 મીમી તો સિઝનનો કુલ 199 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમઝોનમાં બોડકદેવમાં 4 મીમી નોંધાયો, ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરખેજમાં 11.5 મિમી વરસાદ નોંધાયો છે. મધ્ય ઝોનમાં દાણાપીઠ 1.5 અને દુધેશ્વર 0.5 મીમી વરસાદ, તો દક્ષિણ ઝોનમાં મણીનગરમાં 3 મીમી તો વટવામાં 5 મીમી વરસાદ નોંધાયો છે.